લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટઃ વરરાજા અને એક બાળક ઘાયલ

Tuesday 24th May 2022 14:39 EDT
 
 

નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં મિંઢાબારી ગામે સવારે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામના યુવક લતેશ ગાવિતના ગત ૧૨મી મેના દિવસે લગ્ન હતા. ત્યારે આ અંગે યુવકના સસરાએ જણાવ્યું હતું કે તેમની નાની દીકરી અને જમાઇ આજે સવારે ગિફ્ટ ચેક કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં તેમની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજૂ ધનસુખ પટેલે આરતી પટેલ નામની આશા વર્કર દ્વારા આ ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક ગિફ્ટ મોકલાવ્યું હતું. વધુના પિતાએ આગળ એ પણ જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી તેના પ્રેમીને છેલ્લા કેટલાક સમયથી નહોતી બોલાવતી, જેથી કરીને તે શખ્સે આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે. વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને ૩ વર્ષીય ભત્રીજા જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેક્ચર થતાં તેને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ કેસમાં વરરાજાની આંખમાં ૧૦૦ ટકાની ડેમેજ થવાની સંભાવના છે.


comments powered by Disqus