વડનગરમાં આકાર પામતું મ્યુઝિયમ નવું નજરાણું બની રહેશે : મુખ્યમંત્રી

Tuesday 24th May 2022 13:47 EDT
 
 

ગાંધીનગર: વર્લ્ડ મ્યુઝિયમ દિવસથી પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વડનગરને હેરિટેજ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરવા ત્રણ દિવસની પરિષદનો આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન સમારોહમાં વડનગરના ભવ્ય ઇતિહાસ અને વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડનગરમાં કીર્તિ તોરણ-બૌદ્ધ વિહારો-શર્મિષ્ઠા તળાવ-તાનારીરી સમાધિ જેવા પ્રકલ્પોથી વડનગરની આગવી ઓળખ ઊભી થઈ છે અને હવે આકાર લઈ રહેલું આર્કિયોલોજિકલ એક્સ્પેરિમેન્ટલ મ્યુઝિયમ નવું નજરાણું બની રહેશે.
કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ વડનગરમાં દર વર્ષે નવેમ્બરમાં યોજાતા તાનારીરી સંગીત મહોત્સવને હવે કેન્દ્રના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કરી જણાવ્યું હતું કે, વડા પ્રધાનના જન્મસ્થળના ઐતિહાસિક વારસાને વિશ્વના બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની નેમ સાથે આ પરિષદ યોજાઈ રહી છે.
તા. 20મી મે સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં ભુતાન-શ્રીલંકા-માલદિવ્સના ડિરેક્ટર એવા યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ, 6 જેટલા દેશોના તથા વિવિધ રાજ્યોના પુરાતત્ત્વ નિષ્ણાતો, ઇતિહાસકારો તેમજ આ વિષયોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.


comments powered by Disqus