હળવદઃ હળવદમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં બુધવારે બપોરના 12.15 વાગ્યાના અરસામાં 50 ફૂટ લાંબી અને 12 ફૂટ ઊંચી દીવાલ એકાએક ધસી પડતા 15 જેટલા શ્રમિકો કાટમાળ હેઠળ દટાયા હતા. જેના પગલે કારખાનામાં દોડધામ મચી ગઈ હતી. જોકે અન્ય શ્રમિકો અને ગ્રામજનોએ તાબડતોબ બચાવ કામગીરી આરંભી હતી. સ્થાનિક તંત્ર તરપથી એક કલાક બાદ બચાવ કાર્ય શરૂ કરાયું હતું. આ ગોઝારી ઘટનામાં ત્રણ બાળક સહિત 12 લોકના મોત થયા હતા, જ્યારે ત્રણ ઇજાગ્રસ્તને બચાવી લેવાયા હતા. આ સમગ્ર રેસ્કયૂ ઓપરેશન અઢીથી ત્રણ કલાક ચાલ્યું હતું. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની બેઠક બાદ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
હળવદ નજીક આવેલા કચ્છના નાના રણમાં હાલ મીઠું તૈયાર થઈ રહ્યું છે અને આ તૈયાર મીઠું હળવદની જીઆઈડીસીમાં વિવિધ મીઠાના કારખાનામાં આવીને પેકિંગ થાય છે. આ દરમિયાન સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની ગુણીઓ ભરવાનું કામગીરી ચાલી રહી હતી ત્યારે બુધવારે બપોરે સવા બાર વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધરાસાઈ થઈ હતી. દીવાલની પાછળ બાગમાં કામ કરી રહેલા શ્રમિકો દટાઈ જતા હાહાકાર મચી ગયો હતો. જેના પગલે કારખાાના અન્ય શ્રમિકો અને ગ્રામજનોએ તાબડતોડ બચાવ કામગીરી આરંભી દીધી હતી. જોકે દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચતા એક કલાક લાગી ગયો હતો. તંત્ર અને ગ્રામજનોએ ભેગા મળી ચાર જેસીબીની મદદતી અઢીકલાકની જહેમત બાદ પાંચ પુરુષ ચાર મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ સાથે ત્રણ ઇજાગ્રસ્તો શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ગોઝારી ઘટનાના પગલે પરિવારજનોએ આક્રંદ મચાવતા વાતાવરણ ગમગીન બન્યું હતું.
બાળકીની નજર સામે જ માતાપિતાનું મોતઃ ત્રણ બાળકો નોંધારા થયા
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 પૈકી ત્રણ લોકો હજુ ગઈકાલે જ વતનથી હળવદ આવ્યા હતા. એક નાની બાળકીની નજર સમક્ષ દીવાલ ધરાશાયી હતી. જેમાં તેના માતાપિતા સહિત ત્રણ વ્યક્તિ કાટમળા નીચે દટાઈ જતા મોતને ભેટ્યા હતા. દંપતીના મોતથી ત્રણ બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. જેના પગલે બાળકો નોંધારા બન્યા હતા.
ચાર માસ પહેલા જ બનાવેલી દીવાલ ધરાશાયી
કારખાનામાં ચાર માસ પહેલા જ 50 ફૂટ લાંબી અને 12 ફૂટ ઊંચી દીવાલ બનાવાઈ હતી. આ દીવાલની લગોલગ અડીને મીઠાની ગુણીઓનો જથ્થો રાખવામાં આવતો હતો. એક ગુણીમાં 30 થી 40 કિલો મીઠું ભરવામાં આવે છે.આવી એક હજારથી વધુ ગોઠવેલી ગુણીઓનું વજન દીવાલ પર આવતા તે પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુસાર છે.
લંચબ્રેક હોવાથી 45 શ્રમિકોનો જીવ બચી ગયો
સાગર સોલ્ટ મીઠઆના કારખાનામા 60થી વધુ શ્રમિકો કામ કરે છે. સામાન્ય રીતે કારખાનામાં બપોરના બાર વાગ્યાની આસપાસ લંચ બ્રેક પડે છે. જેના કારણે મોટાભાગના શ્રમિકો જમવા માટે ગયા હતા. માત્ર 15 જેટલા જ લોકો કામગીરી કરી રહ્યા હતા. તે સમયે દીવાલ ધરાસાયી થઈ હતી.

