પાલનપુર: બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી રૂ. ૧.૪૬ કરોડના ૧૪ કિલો ચરસ સાથે અમીરગઢ પોલીસે હિમાચલ પ્રદેશના એક શખ્સને પકડી પાડ્યો છે.
અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી હિમાચલ પ્રદેશ પાસીંગવાળી કારને રોકી તપાસ કરતાં ડીકીના ભાગે તેમજ સીટના નીચે ગુપ્તખાનામાંથી ૧૪ કિલો ૬૦૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવતાં પોલીસે ચરસના જથ્થા સાથે હિમાચલપ્રદેશના કિરણકુમાર અમરચંદ નેગી, રહે. હિમાચલ પ્રદેશની અટક કરી છે.
અમીરગઢ પોલીસ મથકના પીએસઆઈ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદ એફ.એસ.એલ. અધિકારી દ્વારા ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કરાયું હતું. આ ચરસનો જથ્થો કુલ્લુથી ગોવા તરફ લઈ જવાનો હતો. આ વ્યક્તિ પોતાના ઘર નજીક જંગલમાં ચરસની ખેતી કરતો હતો. ત્યાંથી જથ્થો ગોવા લઈ જઈ બેથી ત્રણ મહિના રોકાઈ અને છૂટક વેચાણ કરતો હોવાનું બનાસકાંઠા જિલ્લા એસપી તરુણકુમાર દુગલએ જણાવ્યું હતું.
