અમદાવાદઃ શહેરમાં કોરોનાના આવી રહેલા આંકડા આંખને ચોંકાવી દે તેવા છે ત્યારે રાજ્ય સરકારે પ્રથમ વખત કબૂલાત કરી છેકે, રાજ્યમાં ૮૦ ટકા કેસ ઓમિક્રોનના છે. અત્યાર સુધી ડેલ્ટા વાઈરસ આવતો હોવાની અને માત્ર જૂજ સંખ્યામાં જ ઓમિક્રોન આવતો હોવાની હકીકત રાજ્ય સરકારે જાહેર કરી હતી. ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલ કોરોના પોઝિટિવ આવતાં દર્દી પૈકી માંડ ૧ થી ૧.૫ ટકા દર્દીને જ હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા છે. જોકે કેસ વધશે તો આ એકથી દોઢ ટકા લેખે પણ મોટી સંખ્યામાં દર્દી દાખલ થશે તો બેડ, ઓક્સિજન સહિતની સમસ્યા ન ઉભી થાય તે માટે નાગરિકોએ રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇનનું પાલન કરવું આવશ્યક છે.
રિવરફ્રન્ટ હાઉસ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની એક્સપર્ટ ગ્રૂપ ઓફ ડોક્ટર્સ - ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વૈશ્વિક મહામારીની વચ્ચે આપણે જીવતા શીખવું પડશે. માત્ર રાજ્ય સરકાર પ્રયત્ન કરે એટલું પૂર્ણ નથી.

