વેરાવળઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સાનિધ્યમાં રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે સર્જાયેલા અતિથિગૃહ-સર્કિટ હાઉસનું ૨૧ જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સાંસદ સી.આર. પાટિલ વર્ચ્યુઅલ અને માર્ગ-મકાન તથા પ્રવાસન- યાત્રાધામ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સોમનાથમાં રૂબરૂ હાજર રહ્યા હતા. પાછલા ૭ વર્ષમાં દેશમાં પર્યટન સ્થળોના વિકાસ માટે અવિરત પ્રયાસો થયા છે, એમ ઉલ્લેખી વડાપ્રધાને જણાવ્યું હતું કે, સોમનાથ સહિત દેશની સાંસ્કૃતિક વિરાસતો રાષ્ટ્રીય એક્તા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિનિધિત્વ કરે છે, આઝાદીના મહોત્સવમાં આપણે અતીતમાંથી જે શીખવા માગીએ છીએ, તેમાં સોમનાથ જેવા આસ્થાના અને સાંસ્કૃતિક સ્થળો મુખ્ય છે. પોતે સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોવાનું ઉલ્લેખી વડાપ્રધાને સોમનાથ દાદાની કૃપાથી છેલ્લા કેટલાક વર્ષોમાં એક પછી એક વિકાસ કાર્યો થઈ રહ્યાો છે.ત્રણ માળનું અતિથિગૃહ કુલ ૧૫ હજાર ચો.મી. વિસ્તારમાં પથરાયેલું છે, જે કુલ ૭,૦૭૭ ચો.મી. કાર્પેટ એરિયા ધરાવે છે. આ સર્કિટ હાઉસમાં ૨ વીવીઆઇપી સ્યૂટ રૂમ ૮, વીવીઆઇપી રૂમ, ૮ વીઆઇપી રૂમ, ૨૪ ડિલક્સ રૂમ, જનરલ તથા વીઆઇપી ડાઇનિંગ એરિયા, ૨૦૦ માણસની ક્ષમતાવાળું ઓડિટોરિયમ છે તેમજ દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો માણી શકાય એ રીતે આ સર્કિટ હાઉસ બાંધવામાં આવ્યું છે. અધિકારીઓ- પદાધિકારીઓ ઉપરાંત સામાન્ય યાત્રિકોને અહીં રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે

