અમદાવાદઃ રાજકીય નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ સંક્રમિત થયા છે.
ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. સંપર્કમાં આવનારા શુભેચ્છકો તાકીદે ટેસ્ટ કરાવી લે.
નોંધનીય છે કે, રાઘવજી પટેલ કોરોનાની બીજી લહેરમાંય સંક્રમિત થયા હતાં. આમ રાઘવજી પટેલને બીજી વાર કોરોના થયો છે. ડોક્ટરોની સલાહને પગલે તેઓ હોમ આઈસોલેટ થયા છે અને સારવાર શરૂ કરાઈ છે.
ભાજપના સાંસદ પૂનમ માડમ અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલને કોરોના
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસના કેટલાંય ધારાસભ્યો, કાર્યકરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે ત્યારે ભાજપના સાંસદ પૂનમ માડમ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ સંક્રમિત થયા છે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ.એન. મહેતામાં દાખલ કરાયા
ગત સપ્તાહના કોવિડ૧૯ પોઝિટિવ આવેલા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અચાનક જ તબિયત બગડી હતી. આથી તેમને ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસથી અમદાવાદ ખાતે સિવિલ કેમ્પસમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શરીરમાં ફેલાયેલા ચેપને નિયંત્રિત કરવા રેમડેસિવિર ઇન્જેકશનનો કોર્સ શરૂ કરાયાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ ધારાસભ્ય અનિલ જોશિયારાને કોરોનાઃ વેન્ટિલેટર પર
ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કોરોના સંક્રમિત થયા સિમ્સ હોસ્પિટલમાં તેમને છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

