ગાંધીનગરઃ પાંચ રાજ્યોમા ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે ગુજરાતમાં ૧૫મી વિધાનસભાની ચૂંટણીની ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે. બોર્ડ- નિગમોના પદાધિકારીઓને રાજીનામા આપવા સુચના આપ્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી હતી. ઉમેદવારોની પસંદગી લઈને ટિકિટ ફળવણીની પ્રક્રિયામા મહત્વરૂપ ભૂમિકા અદા કરતા આ બોર્ડમાં ૬ પાટીદારો સહિત ૧૪ સભ્યોનો સમાવેશ કરાયો છે.
નવા બોર્ડમા હોદ્દાની રૂએ પ્રદેશ અધ્યક્ષ પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત નવી સરકારમા ત્રીજા નંબરના મંત્રી જીતુ વાઘાણીનો સમાવેશ થયો છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રીઓમાંથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી.ફ્ળદુ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને યથાવત રખાયા છે. આ પાંચેય સિનિયર નેતાઓ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમા દોઢ દાયકાથી કાર્યરત છે. જ્યારે અગાઉના બોર્ડમા રહેલા પૂર્વ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, ત્રણ સાંસદો અનુક્રમે રાજેશ ચુડાસમા, ડો. કિરીટ સોલંકી અને જશવંતસિંહ ભાભોર અને અમદાવાદના પૂર્વ મેયર કાનાજી ઠાકોરને યથાવત રખાયા છે. જ્યારે મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે ડો.દિપિકાબહેન સરડવાનો પ્રથમ વખત પ્રવેશ થયો છે. પાર્લામેન્ટરી બોર્ડ ઉપરાંત પાટીલે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ સાધવા માટે ૧૨ સભ્યોના નવુ કોરગ્રુપ જાહેર કર્યુ હતુ. જેમા પહેલી વખત મહિલા સભ્ય તરીકે વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટનો સમાવેશ કરાયો છે.
ભાજપમાં ‘ફંડ મેનેજમેન્ટ’ પાટીલ - પટેલને હસ્તગત
ભાજપમા સામાન્યઃ ચૂંટણી ફ્ંડથી લઈને ઉમેદવારોને તેની ફળવણીના કામકાજ સહિતની વ્યવસ્થાઓ પ્રદેશ સંગઠનના કોષાધ્યક્ષને હવાલે રહેતી હોય છે. જો કે, હવેથી આ પ્રકારના કામકાજ ચાર સભ્યોની સમિતિથી થશે.

