હૈદરાબાદઃ ભારતમાં લોકડાઉન હતું ત્યારે પોલીસે હૈદરાબાદ શહેરની સ્ટ્રીટમાં ૩૮ વર્ષીય કાર્યકર એસ ક્યૂ મસુદને અટકાવ્યો અને ફેસ માસ્ક ઉતારવા જણાવ્યું. તે પછી કોઈ કારણ આપ્યા વિના અને તેના વાંધાને અવગણીને તેનો ફોટો પાડ્યો.
આ ફોટાનો કેવો ઉપયોગ થશે તેની ચિંતાથી મસુદે શહેરના પોલીસ વડાને લીગલ નોટિસ પાઠવી. પરંતુ, સામેથી કોઈ જવાબ ન આવતા તેમણે તેલંગાણા રાજ્ય દ્વારા ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમના ઉપયોગ મુદ્દે ગયા મહિને કેસ દાખલ કર્યો. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે.
તેમણે થોમસન રોઈટર્સ ફાઉન્ડેશનને જણાવ્યું કે પોતે મુસ્લીમ છે અને પોલીસ દ્વારા અવારનવાર લક્ષ્ય બનાવાતા માઈનોરિટી ગ્રૂપ્સ સાથે કામ કરે છે તેથી તેમના ફોટાની કોઈની સાથે ભળતી ઓળખ કરીને તેમને હેરાન કરાય તેવી તેમને ચિંતા હતી.
તેમણે ઉમેર્યું કે તે મારી પ્રાઈવસીનો અધિકાર છે અને મારો ફોટો શા માટે પાડવામાં આવ્યો, તેનો ક્યાં ઉપયોગ થશે, તે કોણ જોઈ શકશે અને તેને કેવી રીતે સલામત રખાશે તે જાણવાનો મને અધિકાર છે. દરેકને આ માહિતી જાણવાનો હક્ક છે. દેશભરમાં ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ લાગૂ કરાઈ રહી છે ત્યારે મસુદની પિટિશનને ટેસ્ટ કેસ તરીકે જોવાય છે. ડિજિટલ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે તે પ્રાઈવસી અને અન્ય મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
મોબાઈલ ફોન અનલોક કરવાથી લઈને એરપોર્ટ પર ચેકિંગમાં ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તે ડેટાબેઝમાં રખાયેલા ફોટોને વ્યક્તિની લાઈવ ઈમેજ સાથે સરખાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે.
ભારત સરકારે જણાવ્યું હતું કે દેશમાં પોલીસબળ ઓછું છે ત્યારે ગુના અટકાવવા સુરક્ષા વધારવા અને ગૂમ થયેલા બાળકોને શોધવા માટે આ સિસ્ટમ જરૂરી છે. પરંતુ, વિવેચકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીને લીધે ગુનાનું પ્રમાણ ઘટ્યું હોવાના ખૂબ ઓછાં પૂરાવા છે.
ડિજિટલ રાઈટ્સ એક્ટિવિસ્ટ્સના કહેવા મુજબ તે મહિલાઓની અને વધુ શ્યામ વર્ણના લોકોની ઓળખ કરવામાં ઘણી વખત નિષ્ફળ જાય છે. ભારતમાં ડેટા પ્રોટેક્શન કાયદો નથી તેવામાં તેના ઉપયોગથી સમસ્યા સર્જાય છે.

