ગાંધીનગર: ગુજરાતમાં રૂપાણી સરકારમાં બોર્ડ-નિગમોમાં ચેરમેનથી લઈને ડાયરેકટર તરીકે નિયુક્ત ભાજપના ધારાસભ્ય સહિત ૨૫થી વધુ નેતાઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પદ ઉપરથી રાજીનામા આપી દેવા આદેશ કર્યો છે. એક તરફ ભાજપ સંગઠન ૫૭૬થી વધુ સ્થળે બેઠકો યોજી રહ્યું હતું ત્યારે કેટલાક પદાધિકારીઓને પાટીલે ગાંધીગર સ્થિત પોતાના નિવાસસ્થાને રૂબરૂ બોલાવી અને કેટલાકને મોબાઈલ પર રાજીનામું આપવા સૂચના આપતા ખળભળાટ મચ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ પાટિલ ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીને નકારી રહ્યા છે, ત્યારે ભાજપ સંગઠનને ચૂંટણીની મોડ ઉપર લઈ જવા દિલ્હી સ્થિત હાઈકમાન્ડે ઉપરોક્ત નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ૧૮ જેટલા બોર્ડ-નિગમોના ચેરમેનથી લઈને ડિરેક્ટરોની મુદ્દત સવા વર્ષ અગાઉ જ પૂર્ણ થઈ ગઈ હતી. જેમાંથી કેટલાકને ફરીથી ત્રણ વર્ષ માટે રિપિટ કરવામાં આવ્યા હતા. એ તમામને પણ રાજીનામું આપી દેવા કહેવાયું છે.
ટોચના નેતાના કહેવા મુજબ હાલમાં ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણીના પ્રવાહના આધારે ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ- સમાજથી શરૂ કીરને ક્ષેત્રીય સમીકરણોને સેટ કરવા ટૂંક સમયમાં જ નિગમોમાં ચેરમેન, વાઈસ ચેરમેનથી લઈને ડિરેક્ટરપદ સુધીના ૫૦થી વધુ પદો માટે નવા ચહેરાઓને સ્થાન અપાશે. ઉલ્લેખનીય છે કે બોર્ડ-નિગમોમાં થતી રાજકીય નિયુક્તિની અવધિ માત્ર ત્રણ વર્ષ માટે જ હોય છે. આ રણનીતિથી ભાજપ ચૂંટણીમાં ટિકિટ માટે થતી દાવેદારીનું ભારણ ઘટાડતું રહ્યું છે.

