ગાંધીધામઃ એકતરફ જ્યાં મહામારી કાળમાં સર્વત્ર સ્થળે પરીવહનમાં ઘટાડો જોવા મળ્યો તો ત્યારે ૨૦૨૦માં કંડલા એરપોર્ટ પર આંશીક ઘટાડા બાદ ૨૦૨૧માં ૩૬.૧૧ ટકા જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. એટલે કે ગત વર્ષ કરતાં ૩૪,૯૬૩ વધુ મુસાફરોએ કંડલા એરપોર્ટ ટર્મીનલનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાતમાં ટોપ ફાઈવ એરપોર્ટમાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ બાદ સૌથી વધુ ફુટપ્રીંટ ધરાવતા એરપોર્ટમાં કંડલા એરપોર્ટનું સ્થાન આવે છે. જેનો ટ્રાફિક વધારાનો ગત વર્ષનો ગાળો તમામ અન્ય એરપોર્ટ કરતા પણ વધુ છે. ગ્રાફમાં દર્શાવ્યા અનુસાર ૨૦૧૭માં જ્યારે માત્ર એક ફ્લાઈટ ઓપરેટ થતી હતી ત્યારે આખા વર્ષમાં ૨૪,૩૭૭ મુસાફરો કંડલા એરપોર્ટથી હવાઈ મુસાફરી કરતા હતા અથવા તો ઉતરતા હતા, જે વધીને ૨૦૧૮માં ૪૯,૮૨૯ થઈ અને નવી ફ્લાઈટો શરૂ થતા ૨૦૧૯માં ૭૨૦૭૪ સુધી પહોંચી ગઈ.
પરંતુ ત્યારબાદ કોરોનાકાળનું ગ્રહણ લાગ્યું અને 2020માં તે આંશીક રુપે ઘટીને 61,853 ફુટપ્રીંટ સુધી આંકડો પહોંચ્યો. 2021માં ફરી કંડલા એરપોર્ટે પોતાની ક્ષમતાને પુરવાર કરતા 96,816 જેટલા મુસાફરો અહીથી આવાગમન કર્યાનું ફલીત થયું હતું, કંડલા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મંઘલે આ આંકડો 2022માં એક લાખને પાર કરીને નવા કિર્તીમાન બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાલમાં મુંબઈની બે અને દિલ્હીની એક ફ્લાઈટ અહિથી ઓપરેટ થઈ રહી છે.
હાલ બંધ કંડલા - અમદાવાદની ફ્લાઈટ માર્ચમાં શરૂ થવાના એંધાણ
અમદાવાદ એરપોર્ટના રન વેને વધુ વિકસીત કરવાના ચાલુ કાર્યથી કંડલા એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટની વિમાની સેવા ઠપ્પ કરી દેવાઈ છે. જે આગામી માર્ચ મહિનામાં ચાલુ થાય તેવો અંદેશો છે. તો આ દરમ્યાન બરોડા કે સુરતની ફ્લાઈટ ટ્રાફિકને માન્ય રાખીને શરૂ થઈ શકે તેવી સંભાવના પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

