અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરવા લાગી હોય તેવું છેલ્લા કેટલાક દિવસથી નોંધાઈ રહેલા દૈનિક કેસની સંખ્યા પરથી જણાય આવે છે. મંગળવારે સતત ચોથા દિવસે રાજ્યના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રવિવારે ૨૮ ટકા કરતાં વધુ તો સોમવારે ૨૦ ટકા કરતાં વધુનો દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
જોકે બીજી તરફ દૈનિક મોતની સંખ્યામાં નિરંતર વધારો થતો જોવા મળ્યો છે. રાજ્યમાં શનિવારે ૧૫, રવિવારે ૧૯, સોમવારે ૨૫ અને મંગળવારે ૨૮ દર્દીના મોત થયા છે. ત્રીજી લહેરમાં આ સૌથી ઊંચો મૃત્યુઆંક છે. આ પહેલા ગત ૩૦ મે, ૨૦૨૧ના રાજ્યમાં એક સાથે ૨૫ નાગરિકોના મોત થયા હતા, એ પછી દૈનિક મોતની સંખ્યામાં નિરંતર ઘટાડો થયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી રાહત ભર્યા સમાચાર એ સામે આવી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસથી કોરોના દૈનિક દેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ રોજરોજ સાજા થનાર દર્દીની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ૨૦ જાન્યુઆરી સુધીમાં દરરોજ નોંધાતા કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ૪૦થી ૪૨ ટકા સુધી નોંધાતી હતી જે વધીને ૯૮ ટકા પહોંચી ગઈ છે.
મંગળવારે રાજ્યમાં કુલ ૧૬,૬૦૮ કેસ નોંધાયા છે. જેની સામે ૧૭,૪૬૭ દર્દી સાજા થયા છે. જોકે ત્રણ દિવસમાં ૭૨ દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે.
છેલ્લી વખત પોતાની લાડકીનો ચહેરો ના જોઈ શકનાર માનું આક્રંદ....
કોરોનાની ત્રીજી લહેરે અનેકવિધ બીમારીથી પીડાતી કોરોના પોઝિટિવ ૩ વર્ષની શ્રમજીવી પરિવારની બાળકીનો ભોગ લીધો છે. જોકે પરિવારે ગોત્રી હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બાળકીના મૃતદેહને વતન લઇ જવાની જીદ પકડી હતી. જોકે સમજાવટ બાદ તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન્સ મુજબ ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.

