વડાપ્રધાનને રાજકોટનાં દિવ્યાંગ યુવાને ગાંઠીયા ખાવા આવવાનું આમંત્રણ આપ્યું

Tuesday 25th January 2022 14:50 EST
 
 

રાજકોટઃ પ્રજાસતાક દિનની ઉજવણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંવાદ કર્યો હતો તેમાં રાજકોટનાં દિવ્યાંગ યુવા તરવૈયા મંત્ર હરખાણીએ પણ ભાગ લીધો હતો. વડાપ્રધાને રાજકોટનાં આ યુવાન સાથે ગુજરાતીમાં વાત કરી હતી એ દરમિયાન યુવાને રાજકોટનાં પ્રખ્યાત ગાંઠીયા અને જલેબી ખાવા આવવાનું આમંત્રણ આપતા મોદી હસી પડયા હતા અને આમંત્રણનો સ્વીકાર કરીને કહ્યું હતું કે રાજકોટ આવીશ ત્યારે જરૂર મળીશ.
બોર્ન ડાઉન સિન્ડ્રોમનો ભોગ બનેલા આ દિવ્યાંગ તરવૈયા મંત્ર જીતેન્દ્ર હરખાણીએ વર્ષ ૨૦૧૯માં અબુધાબીમાં વૅર્લ્ડ સમર ગેઈમ્સ રમાઈ તેમાં માત્ર ૧૭ વર્ષની વયે અલગ અલગ બે કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો હતો. આ દિવ્યાંગ યુવાનને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અપાયો છે. આજે રાજકોટ કલેકટર કચેરી ખાતેથી વડાપ્રધાને આ યુવાન સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતીમાં વાતચીત દરમિયાન મંત્રએ વડાપ્રધાનને રાજકોટ ગાંઠીયા - જલેબી ખાવા આવવાનું આમંત્રણ આપતા મોદી હસી પડયા હતા. તેમણે હવે જયારે રાજકોટ આવીશ ત્યારે ઘરે ગાંઠીયા ખાવા આવવાનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોદીએ એક કાર્યક્રમમાં મંત્ર સાથે વિડીયો સંવાદ કર્યો હતો.


comments powered by Disqus