વડોદરાઃ મધર મેરીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો શ્રેય વડોદરાના કલાકારોને મળવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ આફ્રિકા ખાતે બની રહેલી ૫૦ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહોળી આ પ્રતિમા બનાવવા માટે વડોદરાના ૧૫ કલાકારો ત્રણ મહિના માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા છે.
શહેરના સમા વિસ્તારમાં રહેતા ભાવેશ પંચાલના જણાવ્યા મુજબ કોંગો ખાતે ટાપુની મધ્યમાં બની રહેલી રિસોર્ટમાં આ પ્રતિમા બનાવવામાં આવી રહી છે. આ પ્રતિમાને કારણે ત્યાંના ટુરિઝમને પણ વેગ મળશે. ફાઇબરમાંથી બનનારી આ પ્રતિમા માટે અગાઉ ભારતમાંથી રો મટિરિયલ પણ લઈ જવાનું હતું, પરંતુ કોરોના સંક્રમણને કારણે માત્ર કલાકારોને બોલાવવામાં આવ્યા છે. રો મટિરિયલ અમારી સૂચના મુજબ ત્યાંથી એકત્ર કરવામાં આવશે.
અલકાપુરીમાં આવેલી ખાનગી કંપનીને પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે કલાકારોને વિદેશમાં કામ મળવાથી પણ ઉત્સાહ વધ્યો છે. ફાઇબરમાંથી બનેલી પ્રતિમા ગિનીસ બુકમાં નોંધાયેલી છે. જોકે મધર મેરીની આટલી મોટી પ્રતિમા કોઈ જગ્યાએ નથી. જેથી આ પ્રતિમાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
