મહેસાણા: ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
આ દાન દ્વારા ‘કાન્તાબેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચ’ ની સ્થાપના થઈ છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજી અને સંપૂર્ણ સુવિધાસભર ક્લાસરૂમ તેમજ ઈમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. સ્થાપિત એગ્રિકલ્ચર કોલેજ આખા ગુજરાતની બીજી કોઈ ખાનગી એગ્રિકલ્ચર કોલેજ કરતા અલગ અને શ્રેષ્ઠતમ હશે જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.
૧ જુલાઈ ૧૯૩૬ના રોજ પલાસર ગામમાં જન્મેલા કાશીરામભાઈનું મેટ્રિક સુધીનું શિક્ષણ ઉત્તર ગુજરાતના જ ગામમાં થયું હતું. પોતાના વર્ગમાં સૌથી હોંશિયાર વિદ્યાર્થી કાશીરામભાઈએ એ વખતની (જૂની) મેટ્રિકની પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે પાસ કરી હતી.
કાન્તાબેન એન્ડ કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં ભણતા વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લેવાતા અવનવા સાધનો, પધ્ધતિઓ, પ્રયોગોનું શિક્ષણ મળશે. વધુમાં યુનિવર્સિટીના ૩૦૦ એકર વિશાળ કેમ્પસમાં પહેલથી જ ભારત સરકાર માન્ય Krushi Vignyan Kendraની સ્થાપના કરવામાં આવી છે. અહીં એગ્રીકલ્ચરને લગતા રિસર્ચ અને એક્સટેન્શન પ્રવુતિઓ થકી આજુબાજુના ખેડૂતોને ખેતીની વિવિધ ટેક્નોલોજીથી અવગત કરવામાં આવે છે.
હાલમાં જ કેમ્પસમાં ચાર હજાર સ્ક્વેર મીટરના વિસ્તારમાં માઇક્રોફોરેસ્ટ બનાવી આશરે બાર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. કેમ્પસની ખેતી લાયક જમીનમાં વિવિધ ફળો, શાકભાજી, અનાજ, ફૂલ વગેરેની ખેતી વર્ષોથી થતી આવે છે તેમજ કેમ્પસમાં નર્સરી અને ગ્રીન હાઉસ પણ બનાવેલું છે સાથે જીવામૃત, અળસિયાનું ખાતર, કુદરતી ખાતર વગેરે બનાવવામાં આવે છે, આના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને ફાર્મિંગ ક્ષેત્રે પ્રૅક્ટિકલ નોલેજ મળશે.

