સરોગસી કાયદો અમલીઃ એક વાર જ કુખ ભાડે આપી શકાશે, નહીં તો રૂ. ૧૦ લાખનો દંડ થશે

Tuesday 25th January 2022 14:07 EST
 
 

સુરતઃ સાંપ્રત જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. ૨૫ મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો ૩૬ મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો ૧૦ લાખનો દંડ અને ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે.
કયા-કયા નિયમો અમલમાં આવી ગયા
• હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ • અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા ૩૬ મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી. • સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત
ઇચ્છુક દંપતીની લાયકાત
• પરિણીત હોય • સ્ત્રીની ઉંમર ૨૩થી ૫૦ વચ્ચે હોય • પુરુષની ઉંમર ૨૬થી ૫૫ વચ્ચે હોય • ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.
કોણ-કોણ સરોગેટ મધર બની શકે
• પરિણીત હોય • ઉંમર ૨૫થી ૩૫ વર્ષ હોય
• લાઇફમાં એક જ વાર બની શકાય • શારીરિક-માનસિક રીતે ફિટનું પ્રમાણપત્ર હોય
અગાઉ કોઈ રોકટોક નહોતી
મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા.


comments powered by Disqus