સારવાર સહિતના ખર્ચ માટે ગુજરાતીઓએ કોરોના કાળમાં ૨૮ ટન સોનું વેચ્યુંઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

Tuesday 25th January 2022 13:58 EST
 
 

અમદાવાદઃ કોરોનાની સારવાર માટે સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડવાને કારણે ઉભી થયેલી મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં લઈને કોરોનાના કાળમાં ગુજરાતીઓએ લગભગ ૨૮ મેટ્રિક ટન સોનું વેચ્યું હોવાનું બુલિયન બજારના સૂત્રોએ જણાવ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અંદાજ મુજબ, કોવિડ-૧૯ના રોગચાળાએ માથું ઉંચકવાને કારણે એપ્રિલ, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧ના પેન્ડેમિક સમયગાળા દરમિયાન ભારતમાં લગભગ ૧૪૨ મે. ટન સોનુ રીસાયકલ્ડ થયું છે. કોરોના કાળમાં ભારતમાં રીસાયકલ્ડ થયેલા ૧૪૨ મે. ટન સૌના પૈકી ગુજરાતનો હિસ્સો ૨૦ ટકા હોવાનું જાણવા મળે છે. કોરોના વકર્યા પછી ૨૦૨૦માં સોનાના રીસાયકલ્ડમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે સેકન્ડ વેવ પછી૨૦૨૧માં સોનાના વેચાણ- રીસાયકલ્ડમાં ૧૫ ટકા ઘટાડો થયો છે.
કોરોનાનો રોગચાળો વકર્યા પછી વ્યાપાર- ઉદ્યોગના જુદા જુદા સેક્ટરમાં તેજી (રીકવરી)માં તફાવત જોવા મળ્યો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) અને E-commerce જેવા સેક્ટરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. જોકે, મેન્યુફેક્ચરિંગ સહિતના અન્ય સેક્ટરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી નથી. લોકોની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


comments powered by Disqus