સુરતની ‘રબર ગર્લ’ અન્વીને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત

Tuesday 25th January 2022 14:11 EST
 
 

ગાંધીનગર: પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું બિરૂદ પ્રાપ્ત એવી સુરતની યુવતી અન્વી ઝાંઝરૂકિયાને ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યો છે.
૨૬મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગીર સોમનાથ ખાતે અન્વીનું સન્માન કરાશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે ૬૦૦ બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ૨૯ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર અને સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. મોદીના હસ્તે આ દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા રૂપિયા એક લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ત્રણ સુવર્ણ ચંદ્રકો અને બે કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, અને ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે.
અન્વી ૧૧૨ કરતાં પણ વધુ આસનો કરી શકે છે. એટલું જ નહિ, અન્વીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર બે લાખથી વધુ લાઇક પણ મેળવી છે. તેણી જ્યારે ૧૩ વર્ષની હતી ત્યારે ગયા વર્ષે રાષ્ટ્રપતિના હસ્તે ક્રિયેટીવ ચાઇલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેણીને અભિનંદન આપ્યાં છે.


comments powered by Disqus