હોદ્દાને લઇને વિવાદ થતા પાટીદાર સંસ્થા એસપીજીમાં ભાગલા

Tuesday 25th January 2022 14:10 EST
 

અમદાવાદઃ પાટીદાર સંસ્થા સરદાર પટેલ ગ્રુપમાં હોદ્દાને લઇને વિવાદ થયો છે. અધ્યક્ષ લાલજી પટેલના નિર્ણય સામે અન્ય સભ્યોએ બળવો કર્યો છે જેથી એસપીજીમાં ઉભા ફાડચા થયા છે. જોકે, અધ્યક્ષ લાલજી પટેલે આક્ષેપ કર્યો છે કે, એસપીજીના લેટરપેડનો દૂરપયોગ કરી હોદ્દા મેળવી લીધાં છે. ટૂંકમાં, હોદ્દા ખાતર પાટીદાર યુવાઓ સામસામે આવ્યા છે.
છેલ્લા એક મહિનાથી સરદાર પટેલ ગ્રુપમાં હોદ્દા મેળવવા માટે ખેંચતાણ જામી છે. આંતરિક વિખવાદને લીધે અધ્યક્ષ લાલજી પટેલે નવા હોદ્દા માટેની નિમણૂકો અટકાવી દીધી હતી જેના કારણે એસપીજીના સભ્યો બળવો કર્યો છે.
એસપીજીના સભ્યોએ જ નવી સમિતી રચી પ્રદેશ અધ્યક્ષ પદે અશ્વિન પટેલ ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગૌરાંગ પટેલ,મહામંત્રી-પ્રવક્તા તરીકે પૂર્વિન પટેલની નિયુક્તિ કરી દેવામાં આવી હતી. સોશિયલ મિડીયા પર આ નિમણૂંક અંગેનો લેટર વાયરલ કરી દેવાયો હતો. લાલજી પટેલનું કહેવુ છે કે, અમારી ગેરહાજરીમાં બેઠક બોલાવી એસપીજીના લોગો-લેટરપેડનો દૂરપયોગ કરીને અધ્યક્ષ સહિતના હોદ્દા મેળવી લીધા છે.


comments powered by Disqus