નવીદિલ્હી: દેશમાં નોટબંધીના જાહેરનામાને પડકાર આપનારી અરજીઓ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચ સામે સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસ.એ. નઝીરની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બેન્ચે સંકેત આપ્યો હતો કે, જૂની નોટોને બદલવા માટે એક વ્યવસ્થા બનાવવા પર વિચારણા કરવામાં આવશે. જો કે કેટલાક ખાસ કેસમાં જ નોટ બદલવાની મંજૂરી અપાશે. બંધારણ બેન્ચ આ મુદ્દે પાંચ ડિસેમ્બરે આગલી સુનાવણી કરશે. આ અરજીઓમાં નોટબંધીના 8 નવેમ્બર 2016ના જાહેરનામાને ગેરકાયદે જાહેર કરાઈને પડકાર અપાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા હાજર થયેલા એટર્ની જનરલ વેંકટરમણિએ કહ્યું હતું કે કોર્ટ આ પ્રકારે આદેશ ન આપી શકે. નોટબંધી બાદ નોટ બદલવા માટેની વિન્ડોને ઘણી આગળ લંબાવાઈ હતી, પરંતુ લોકોએ તેનો ફાયદો નહોતો ઉઠાવ્યો. તેમણે કહ્યું હતું કે કેટલાક વિશેષ મામલામાં સરકાર જૂની નોટ બદલવા વિશે વિચાર કરી શકે છે.

