G-20 સમિટની તૈયારીઃ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક કચ્છમાં યોજાશે

Wednesday 30th November 2022 06:12 EST
 
 

અમદાવાદ: ભારત પાસે ડિસેમ્બર 2022થી નવેમ્બર 2023 સુધી જી-20નું પ્રમુખપદ રહેવાનું છે, ત્યારે જી-20ના વૈશ્વિક સ્તરના અનેક કાર્યક્રમોનું આયોજન આવતા વર્ષે ગુજરાતમાં યોજાશે. જી-20 એ વિશ્વની સૌથી મોટી 20 અર્થવ્યવસ્થાનું એક મંચ છે. જે વૈશ્વિક અર્થતંત્રને અસરકર્તા વિવિધ મુદ્દાઓ પર સમયાંતરે ચર્ચા કરવા માટે બેઠકોનું આયોજન કરતું રહે છે. રાજ્યના વહીવટી તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આવતા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં જી-20ના 13 જેટલા મહત્ત્વના કાર્યક્રમોનું આયોજન કરાશે. જેને લઈને કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને કેન્દ્રના અન્ય વિભાગો સાથે મળીને રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અંતિમ તૈયારી કરી દેવાઈ છે.
ગુજરાતમાં જી-20ના જે કાર્યક્રમોનું યજમાન બનશે, તેમાં નાણાં, બેન્કિંગ, વેપાર અને રોકાણ, ઊર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પ્રવાસન અને મહિલા સશક્તિકરણ અંગેના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોની રૂપરેખાની અંતિમ તૈયારીઓ માટે કેન્દ્રીય વિદેશપ્રધાન અને અન્ય એજન્સીઓ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી રાજ્યના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ કેન્દ્રીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. જેમાં ગુજરાતના અધિકારીઓ કેન્દ્ર સરકારને તમામ બાબતોની માહિતી આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરના આ કાર્યક્રમો ક્યારે યોજાશે તેની તારીખો નક્કી થઈ ગઈ છે. જી-20માં વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાનો સમાવેશ થાય છે. જેઓ વૈશ્વિક જીડીપીના 85 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારના 75 ટકા છે. જે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ બનાવે છે.
જી-20ના સ્થાપક સભ્ય તરીકે તેના વિકાસમાં ભારતનો બહુ મોટો ફાળો રહેલો છે. જેમાં વૈશ્વિક મહત્ત્વના એવા મુદ્દાઓ કે જે વિશ્વના લોકોને અસર કરે છે તેનો સમાવેશ થાય છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડિયા, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુ.કે., અમેરિકા અને યુરોપિયન યુનિયનનો જી-20માં સમાવેશ થાય છે.
ગુજરાતમાં યોજાનારા G-20ના કાર્યક્રમો
• 22-23 જાન્યુઆરીઃ બિઝનેસ-20 ઇન્સેપ્શન મીટિંગ • 5-7 ફેબ્રુઆરીઃ ફર્સ્ટ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપ મીટિંગ • 13-14 માર્ચઃ બી-20 સાઇડ ઇવેન્ટ • 27-29 માર્ચઃ સેકન્ડ એન્વાર્મેન્ટએન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રૂપ મીટિંગ • 30માર્ચ - 1 એપ્રિલઃ સેકન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રૂપ મીટિંગ • 2-4 એપ્રિલઃ સેકન્ડ એનર્જી વર્કિંગ ગ્રૂપ મીટિંગ • 29-30 મેઃ અર્બન 20 સમિટ
• 19-21 જૂનઃ સેકન્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ મીટિંગ • 25-27 જુલાઈઃ થર્ડ ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝ મીટિંગ • 28-30 જુલાઈઃ થર્ડ ફાઇનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નન્સ મીટિંગ • 9-11 ઓગસ્ટઃ મહિલા સશક્તિકરણ મુદ્દે પ્રધાનસ્તરીય બેઠક • 29-30 સપ્ટેમ્બરઃ ચોથી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ આર્કિટેક્ટર વર્કિંગ ગ્રૂપ મીટિંગ


comments powered by Disqus