સાયકલ પર ભારત ભ્રમણ માટે નીકળેલી પર્વતારોહક આશા માલવીયા સેલવાસ પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અહીંથી મહારાષ્ટ્ર જવા રવાના થયેલી આશાએ કહ્યું હતું કે યાત્રાનો પ્રારંભ મધ્ય પ્રદેશના સ્થાપના દિવસ પહેલી નવેમ્બરના રોજ કરાયો છે, અને અત્યાર સુધીમાં 1500કિલોમીટરની યાત્રા પુરી થઇ ચુકી છે. આગામી સપ્ટેમ્બરમાં દિલ્હી પહોંચીને યાત્રા પૂર્ણ થશે. 20 હજાર કિલોમીટરની આ યાત્રાનો ઉદેશ્ય આપણા ઐતિહાસિક પર્યટન સ્થળોના પ્રચારપ્રસારનો છે. સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય ખેલાડી અને પર્વતારોહક એવી આશાએ મહિલા સુરક્ષા અંગે જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી તેવું હંમેશા બોલવામાં આવે છે. આ માન્યતા તોડવા માટે એકલી જ ભારત યાત્રા કરી રહી છું. હું દરેકને સંદેશો આપવા માંગુ છું કે ભારત દેશના 28રાજ્યોમાં સાયકલથી એકલી જ યાત્રા કરી રહી છું અને આપણા દેશના દરેક રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે. મહિલા સશક્તિકરણ અંગે જણાવ્યું કે મહિલાઓ એ દરેક કામ કરી શકે છે જે પુરુષ કરે છે. એમણે યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું કે દરેક નાની નાની સમસ્યા સામે યુવાઓ આત્મહત્યા કરવા સુધીના પગલા લઇ લે છે. જિંદગીમાં થોડી સમસ્યા સર્જાય છે કે યુવાઓ ઘર છોડવાની અને મરી જવાની વાતો કરવા લાગે છે. આ લોકોને મારે કહેવું છે કે સમસ્યા દરેકની જિંદગીમાં આવે છે આ સમસ્યાનો સામનો કરો અને આગળ વધો. આશા માલવિયા મધ્ય પ્રદેશના રાજગઢ જીલ્લા અંતર્ગત આવતા નાડારામ ગામની રહેવાસી છે. આશા નેપાળ-ભૂટાન-બાંગ્લાદેશની સીમા પર સ્થિત તેનજિંગ ખાન 19,545ફુટ અને બીસી રોય 20,500ફુટ જેવી બર્ફીલી ટોચ સર કરીને તિરંગો ફરકાવ્યો છે. એમનું નામ નેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે.
દમણમાં વર્લ્ડ ફિશરીઝ ડેની શાનદાર ઉજવણી
દમણમાં વર્લ્ડ ફિશરીઝ ડેની રંગારંગ ઉજવણી કરાઇ હતી, આ પ્રસંગે સાગર પરિક્રમા ગીતના ગુજરાતી સંસ્કરણનું લોન્ચિંગ પણ કરાયું હતું. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના સહયોગમાં ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 21 નવેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમના ભાગરૂપે માછીમાર સમુદાયનું માહિતીપ્રદ પ્રદર્શન યોજાયું હતું તો મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ જતીન્દ્ર નાથ સ્વૈન દ્વારા લખાયેલા પાંચ પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. આ પુસ્તકોમાં હેન્ડબુક ઓન ફિશરીઝ સ્ટેટિસ્ટિક-2022, સુપર સક્સેસ સ્ટોરીઝ (અંગ્રેજી અને હિન્દી), કોમ્યુનિકેશન એન્ડ નેવિગેશનલ ઇક્વિપમેન્ટ, ફિશિંગ વેસલ, બોટ એન્જિનની ખામી સુધારણા અને જાળવણી વગેરેનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે માછીમારી સંબંધિત વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા લોકોને પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કારોની સાથે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત થયા હતા. આ પ્રસંગે વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં જુદા જુદા વિષયો પર સેમિનાર યોજાયા હતા. જેમાં માછીમારી ક્ષેત્રે નવી ટેક્નોલોજી, માછીમારી ક્ષેત્રે સંભાવનાઓ અને સમસ્યાઓ, નિકાસ અને સ્થાનિક બજારની તકો અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ‘ભારતમાં ફિશરીઝ સેક્ટરમાં રોકાણનો અવકાશ’ પર પેનલ ચર્ચા કરાઈ હતી.

