ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે દેશની સામાન્ય જનતા મતદાન કરશે. જો કે ચૂંટણી કામગીરીમાં વ્યસ્તતાના કારણે ચૂંટણી અધિકારીઓ, પોલીસ જવાનો સહિતના લોકો દ્વારા બેલેટ પેપરથી મતદાન પહેલાં જ કરવામાં આવ્યું છે. 25 નવેમ્બરે અમદાવાદ, કચ્છ, પાટણ, મહિસાગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં પોલીસ કર્મચારી દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 25 નવેમ્બરે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ જવાનો માટે ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં વિવિધ બેઠક પરના પોલીસ જવાનો દ્વારા તેમના પસંદગીના ઉમેદવારોને મત આપવામાં આવ્યા. આ ઉપરાંત ડાંગના આહવા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પણ બેલેટ પેપર દ્વારા પોલીસ જવાનો, હોમગાર્ડ, દિવ્યાંગો દ્વારા મતદાન કરવામાં આવ્યું.
