ડોક્ટરના કાર્યક્રમમાં ફૂડ પોઇઝનિંગ: બાળકો સહિત 123ને ઝેરી અસર

Wednesday 30th November 2022 05:44 EST
 
 

પાદરાઃ વડોદરા જિલ્લાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો છે. પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં ખીર ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી. ખીર ખાવાના તબિયત બગડતાં તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવને પગલે આરોગ્યતંત્ર પણ દોડતું થયું હતું. આ બનાવની જાણ થતાં વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.
પાદરાના ગોવિંદપુરા ખાતે હોમિયોપેથિક ડો. અબુબકર અલીકત સૈયદ દ્વારા ધાર્મિક નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં બનાવવામાં આવેલી ખીર ખાવાથી ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. 123 જેટલા લોકોની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેવામાં
આવ્યા હતા.


comments powered by Disqus