દાંતામાં ભાજપના ઉમેદવારનું વચન! ‘જીત્યો તો ટોપલો ભરીને દારૂ વેચી શકશો’

Wednesday 30th November 2022 06:08 EST
 

અંબાજી: દાંતા ભાજપના ઉમેદવાર સભામાં બફાટ કરતાં જોવા મળી રહ્યા છે. ગામડાંની સભામાં લોકોને દારૂ વેચવા રીતસર પ્રોત્સાહન આપી રહ્યાનું બહાર આવ્યું છે. લોકોએ હવે થેલીઓ વેચવા જવાની જરૂર નથી, હું ટોપલા ભરીને દારૂ વેચાવીશ તેવું બોલતાં ભાજપના ઉમેદવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. દાંતા બેઠક પરથી આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે મતદારોને આકર્ષવા નેતાઓ મેદાને આવ્યા છે. ભાજપના ઉમેદવાર તો સભામાં રીતસરના વાણીવિલાસ કરતાં જોવા મળી રહ્યા છે. દાંતા વિધાનસભા બેઠકમાં આવતાં ગામડામાં ભાજપના ઉમેદવાર લાઘુભાઈ પારધીએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં એક ગામમાં સભા દરમિયાન લોકોને ખુલ્લેઆમ દારૂનો વેપાર કરવા જણાવી રહ્યા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે.
આ વીડિયો ક્લિપમાં લાઘુભાઈ બોલી રહ્યા છે કે, હવે દારૂની થેલીઓ વેચવા જવાની જરૂર નથી, હું ટોપલા ભરીને દારૂ વેચાવીશ. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભાજપના ઉમેદવાર દારૂ વેચવાની વાતો કરતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર કે કાર્યકરો પ્રચાર કરશે તો જાનથી મારી નાખીશ અને ટાંટિયા ભાંગી નાખીશ તેવો એક વીડિયો વાઇરલ થયો હતો.


comments powered by Disqus