પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છેલ્લા તબક્કાનો જોરદાર ચૂંટણી પ્રચાર

2017માં ગુમાવેલી 83 બેઠકો મેળવવા ભાજપનો જોરશોરથી પ્રચાર

Wednesday 30th November 2022 06:26 EST
 
 

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં પ્રધાનમંત્રીએ મેરાથોન ચૂંટણી સભા કરી. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાત બાદ 28મીએ સૌરાષ્ટ્ર - કચ્છ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભાજપે 2022ની ચૂંટણીમાં  2017માં ગુમાવેલી 83 બેઠક પણ અંકે કરવા મક્કમતા દર્શાવી છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરાથોન સભાઓ ગજવી હતી.

ખેડામાં વડાપ્રધાનની જંગી સભાઃ ‘હું તમારા પૈકી એક’
પ્રધાનમંત્રીએ ખેડાની સભામાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી, પરંતુ આગામી 25 વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. કોંગ્રેસે આ જિલ્લાના ગરીબ-પછાત લોકોને અંધ રાખી પોતાનાં જ ઘર ભર્યાં. અમે પછાત વર્ગનાં બાળકોને સ્કોલરશિપ આપી પ્રોત્સાહિત કર્યા, 8 વર્ષમાં આશરે 11 કરોડથી વધુને 10 હજાર કરોડની સ્કોલરશિપ આપી.

આદિવાસી વિસ્તારમાં વેપાર-ધંધા માટે ખાસ જોગવાઈઃ નેત્રંગમાં મોદી
પ્રધાનમંત્રી મોદીએ નેત્રંગમાં કહ્યું કે, મને અહીંથી મળેલા સંસ્કાર ઘણા આગળ લઈ ગયા. અમે સંકલ્પપત્રમાં આર્થિક વ્યવસ્થાને જોમવંતી બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. અહીં વેપાર-કારોબારની પ્રવૃત્તિ વધારવા ખાસ જોગવાઈ કરાઈ છે. બાળકોથી વડીલો સુધી તમામની ચિંતા કરવા ઉપરાંત મધ્યમ વર્ગના લોકો સમૃદ્ધ થાય તે માટે ખાસ જોગવાઈ કરાશે.

આતંકીઓના શુભચિંતકોથી સાવધાનઃ સુરતમાં મોદી
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નવી પેઢીએ અમદાવાદ અને સુરતના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી અને તેમને આ અંગે યાદ પણ નથી. આ શાંતિને યથાવત્ રાખવા માટે આતંકીઓના શુભચિંતકોને તમારે સાવધાન રહેવાની જરૂર છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર આતંકી કૃત્ય હતું, પરંતુ આ કોંગ્રેસ દ્વારા તેના પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા.

કચ્છમાં પ્રધાનમંત્રીએ કચ્છી ભાષામાં લોકોને સંબોધ્યા
નરેન્દ્ર મોદીએ અંજારમાં કચ્છીમાં સૌનું અભિવાદન કર્યું હતું. મોદીએ કહ્યું કે, ભૂકંપ બાદ અહીંની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓની જુગલબંધીથી જોતજોતામાં કચ્છ બેઠું થઈ ગયું. આઝાદીનાં 75 વર્ષ થયાં, ત્યારે હવે પછીનાં 25 વર્ષ અમૃતકાળ છે. ભારતની આઝાદીનાં 100 વર્ષે ભારત અને ગુજરાત વિકસિત હોવાનું મારું સ્વપ્ન છે.

‘ભાજપના શાસનમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત પાંચમા સ્થાને પહોંચ્યું’
રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીએ જંગી જાહેરસભાને સંબોધી હતી. તેમણે કહ્યું, કોંગ્રેસે મનમોહનસિંહને 10 વર્ષ સુધી શાસન સોંપ્યું. તે દરમિયાન અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી 10મા સ્થાને આવી. મને જ્યારે પ્રધાનમંત્રી બનાવાયો ત્યારે 8 વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારત પાંચમા સ્થાને આવી ગયું. આમ ભાજપે અર્થતંત્રને અભૂતપૂર્વ મજબૂતી આપી છે.


comments powered by Disqus