વડોદરાઃ ચૂંટણીની જાહેરાત થયાના દિવસથી સુસ્ત પડેલો પ્રચારનો માહોલ ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી ધમધમી ઊઠ્યો છે. વડોદરા શહેરમાં 5 બેઠકો પરની ચૂંટણીમાં પ્રચાર નિરસ રહેવાનાં મુખ્ય બે કારણો છે. પહેલું કારણ વડોદરાની પાંચે પાંચ બેઠક ભાજપનો ગઢ છે એટલે અતિ આત્મવિશ્વાસમાં આ બેઠકો પર જીતવા માટે નહીં પણ સરસાઇ મેળવવા માટે કમર કસવી પડશે તેવા વિચારથી વડોદરા ભાજપની કેડરમાં આત્મવિશ્વાસથી ભરેલી આળસ છે. બીજું કારણ એવું પણ છે કે કોંગ્રેસ અને આપથી ભાજપને કોઇ સંકટ લાગતું નથી. એટલા માટે જ તો કોંગ્રેસ અને આપના ઉમેદવારો જાહેર થઇ ગયા પછી પણ ભાજપના પેટનું પાણી હાલ્યું ન હતું.
ભાજપે મંત્રી મનીષાબેન વકીલ અને જૂના જોગી યોગેશ પટેલને બાદ કરતાં ત્રણેય બેઠકો પર નવા ઉમેદવાર મૂક્યા છે પણ એ બાકીના ત્રણ પૈકી 2 ઉમેદવાર તો સત્તાનો સ્વાદ માણી ચૂક્યા છે.
જો કે ભાજપે અપેક્ષિત ગણાય એવા દાવેદારો શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, પૂર્વ મેયર ભરત ડાંગર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજેશ આયરે, પરાક્રમસિંહ જાડેજા જેવા મોટા માથાઓને ટિકિટથી વંચિત રાખ્યા છે. આનો મતલબ એ છે કે ભાજપને મોદીના ટાસ્ક અને કમળના માસ્ક પર અતૂટ વિશ્વાસ છે. જિલ્લાની ત્રણ બેઠકો પર જ્યાં બળવાખોરો બાજી બગાડશે તેવું લાગ્યું ત્યાં તો ડેમેજ કંટ્રોલ માટે રૂપાલા અને સંઘવી સહિત બધાને દોડાવ્યા પણ આજ્ઞાકારી વડોદરા શહેરમાં તો બળવાખોરો કે અસંતુષ્ટોનો સીધો ડર નથી, પરંતુ આમ છતાંય રાજકિય પંડિતો ભાજપના સરસાઇ મેળવવાના અભિયાનને અસંતુષ્ટોનો છૂપો રોષ અને નિષ્ક્રિયતા અસર પાડશે તેમ માની રહ્યા છે.આ અસંતુષ્ટોએ પોતાના વિધાનસભા ક્ષેત્ર બહારના ઉમેદવારોના ઝભ્ભા પડકી લીધા છે. જેથી પાર્ટીમાં પોતે નિષ્ક્રિય હોવાની છાપ ઉપસે નહીં અને પોતાના વિસ્તારમાં મતદારોના સવાલોનો સામનો ન કરવો પડે.

