અમદાવાદ: આજે દેશના વડાપ્રધાન સાથે ઊભા રહીને આ બંને અનાથ બાળકો કલેકટર અને એન્જિનિયર બનવાના સપના જોતા હોય તો મને પણ મારી જાત ઘસવાનો આનંદ આવતો હોય છે. એમ વિધાનસભાની ચૂંટણીને લઈને નેત્રંગમાં સભા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી બે અનાથ બાળકોને મળીને તેમના સંઘર્ષને બિરદાવ્યો હતો. માતાપિતા વિનાના ઘરવિહોણા આ બે બાળકોનાં સંઘર્ષનો વિડિયો જોઈને તેમણે દિલ્હીમાં બેઠા બેઠા ખોટ સાલવા દીધી ન હોવાનું કહીને તેમના માટે ઘરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.
નેત્રંગમાં સભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે ધો. 9માં અભ્યાસ કરતા અવિ અને ધોરણ 6માં અભ્યાસ કરતાં જય નામના બે આદિવાસી બાળકોને મળ્યો. બંને ભાઈના માતાપિતા 6 વર્ષ પહેલા બિમારીમાં મૃત્યુ પામ્યા હતા. એટલે બંને ભાઈ એક બીજાને મદદ કરે, ઘરનું ઘ ન હતું, આ બધા સંઘર્ષનો તેમનો વિડિયો મેં જોયો. એટલે મેં સી.આર. પાટીલને ફોન કરીને કહેલું કે, આ બે દિકરાઓની આપણે ચિંતા કરવાની છે. તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હીમાં બેઠો હતો છતાંય આદિવાસી દિકારીઓ માટે મેં ખોટ સાલવા ન દીધી. એટલે આ જે એ બાળકોને મળ્યો ત્યારે ખૂબ જ આંનદ અનુભવું છું.

