જૂનાગઢઃ આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસના દિવસે શનિવાર અને શિવયોગ છે. આથી શ્રાવણ મહિનાનો અમાસ અને શિવયોગનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ દિવસે શિવ પૂજા અને શનિદેવની પૂજા ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાય છે. સાથે સાથે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્ત્વ છે. અમાસ પર્વે યાત્રાધામ પ્રીચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો હતો. તેમજ સોમનાથ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં પણ વહેલી સવારથી લોકોનો ધસારો જોવા મળેલ. જૂનાગઢના ભવનાથ સ્થિત આવેલા પવિત્ર દામોદરકુંડ ખાતે મધરાતથી હજારો ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડતા માર્ગો પર જાણે શિવરાત્રીના મેળા અને લીલી પરિક્રમા જેવો માહોલ જોવા મળ્યો હતો. મોક્ષ પીપળે પાણી રેડવા તેમજ સરસ્વતી નદીમાં સ્નાન કરવા ભારે ધસારો જોવા મળ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટ્યો હતો. સરસ્વતી ઘાટ ઉપર લોકો ઉમટ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી અમાસના દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં પ્રાચી તીર્થની સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પિતૃઓના મોક્ષ માટે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણોના આપી સરસ્વતી નદીમાં બિરાજતા માધવરાયજી પ્રભુના દર્શન કર્યા હતા.

