કેન્યાની ટ્રાઈબ્સની કાનૂની કાર્યવાહીઃ યુકે પાસે £168 બિલિયન વળતર અને માફીની માગ

ECHRમાં દાખલ કેસમાં સંસ્થાવાદી શાસનમાં જમીનો હડપવા અને અત્યાચારોના આક્ષેપો

Wednesday 31st August 2022 09:32 EDT
 
 

નાઈરોબીઃ કેન્યાની ટાલાઈ અને કિપ્સિગી જનજાતિ- કબીલાઓએ સંસ્થાનવાદીઓ દ્વારા જમીનો હડપવાના અને બ્રિટિશ શાસનના આખરી દિવસોમાં હકાલપટ્ટી અને અત્યાચારના મુદ્દે યુકે વિરુદ્ધ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માં કાનૂની કાર્યવાહી કરવા સાથે 168 બિલિયન પાઉન્ડના વળતર તથા ઐતિહાસિક અપરાધો બદલ માફીની માગણી કરી છે. વિશ્વના ચાહના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર વિસ્તારોમાં એક પશ્ચિમ કેન્યાના કેરિકોમાં આ અત્યાચારો કરાયા હોવાના આક્ષેપો આ ટ્રાઈબ્સ દ્વારા મંગળવાર, 23 ઓગસ્ટે દાખલ કરાયેલા કેસમાં કરાયા છે. કબીલાઓના કેસની સુનાવણી કરવી કે નહિ તેનો નિર્ણય ECHR દ્વારા લેવાશે. જોકે, યુકે સરકારે આ કાનૂની દાવા વિશે જાહેર પ્રતિભાવ આપ્યો નથી.
ટાલાઈ અને કિપ્સિગી જનજાતિ- કબીલાઓનો દાવો છે કે ચાહના બગીચાઓ બનાવવા રિફ્ટ વેલીમાં ફળદ્રુપ જમીનો પરથી તેમના લોકોને બળજબરીથી હાંકી કઢાયા હતા. ટાલાઈ લોકોએ પ્રતિકાર કર્યો ત્યારે તેમની લેક વિક્ટોરિયા પાસેની મચ્છરો અને ત્સે-ત્સે માખીઓથી ભરેલી ખીણમાં અટકાયત કરાઈ આવી હતી જ્યાં ઘણાં લોકોના મોત નીપજ્યાં હતાં. કબીલાઓના વકીલોએ કહેવા અનુસાર યુકે સરકારે ફરિયાદોના નિરાકરણના તમામ શક્ય માર્ગો ટાળવા સાથે પીછેહઠ કરી હોવાથી ઈતિહાસને સાચા માર્ગે લઈ જવા કોર્ટ સમક્ષ ન્યાય માગવા સિવાય તેમના ક્લાયન્ટ્સ પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી.
કેન્યાએ 1963માં આઝાદી પ્રાપ્ત કર્યા પછી બચી ગયેલા લોકો તેમની પૂર્વજોની જમીનો પર પાછા ફર્યા હતા પરંતુ તેના પર ફરી દાવો કર્યો ન હતો. આ પછી તેઓ ટી એસ્ટેટ્સની નજીકની જમીનો પર રહેવા લાગ્યા હતા. અરજદારોએ જણાવ્યું છે કે આજે કેન્યા વિશ્વમાં બ્લેક ટીનું અગ્રણી નિકાસકાર છે ત્યારે યુનિલિવર, વિલિયમસન ટી, ફિન્લેઝ અને લિપ્ટન જેવી વિશ્વની સૌથી પ્રસિદ્ધ ચાહ કંપનીઓમાંની કેટલીક આ જમીનો પર કબજો ધરાવે છે અને ખેતી કરી ગણનાપાત્ર નફો રળે છે. યુનાઈટેડ નેશન્સના નિષ્ણાતોએ જણાવ્યું છે કે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન કેરિકોના પાંચ લાખથી વધુ રહેવાસી સામે માનવ અધિકારોના ઉલ્લંઘનનો શિકાર બન્યા હતા. ટાલાઈ અને કિપ્સિગી જનજાતિઓએ આક્ષેપો કર્યા છે કે 1902થી 1962ના ગાળામાં તેમના વિરુદ્ધ ગેરકાયદે હત્યાઓ, બળાત્કારો અને અત્યાચારો થયા હતા. આા સંદર્ભે બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે તેણે જાહેર માફી માગેલી છે અને સંસ્થાનવાદી શાસન સામે માઉ માઉ બળવામાં સંસ્થાનવાદી દળોના અત્યાચારોનો શિકાર બનેલા કેન્યાવાસીઓને વળતર આપવા 2013માં સંમતિ પણ દર્શાવી છે.
જોકે, ટાલાઈ અને કિપ્સિગી જનજાતિઓ કહે છે કે તેમનો કેસ તદ્દન અલગ છે. તેમના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમણે મે મહિનામાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને મળવા પ્રયાસ કર્યો હતો પરંતુ, તેમની અવગણના કરાઈ હતી. આ મહિનામાં જ 100,000થી વધુ કબીલાવાસીએ વળતર અને માફીની માગ સાથે ડ્યૂક ઓફ કેમ્બ્રીજને પત્ર પાઠવ્યો હતો.


comments powered by Disqus