નવીદિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. પક્ષે જાહેરાત કરી છે કે અધ્યક્ષની ચૂંટણી 17મી ઓક્ટોબરે યોજાશે અને ફક્ત બે દિવસમાં જ એટલે 19 ઓક્ટોબરે પરિણામની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે શિડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ, 22 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જારી થશે. જ્યારે 24 સપ્ટેમ્બરે નોમિનેશન કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. જે બાદ 17 ઓક્ટોબરે વૉટિંગ અને 19 ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. CWC બેઠક એવા સમયે મળી હતી, જ્યારે સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ વિદેશમાં છે. આથી પાર્ટીના આ ત્રણેય નેતાઓએ CWCની બેઠકમાં ઓનલાઈન ભાગ લીધો છે. ગત વર્ષે મળેલી CWCની બેઠકમાં જે કાર્યક્રમને મંજૂરી મળી હતી, તે મુજબ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે પૂર્ણ કરવાની હતી. CWCએ ગત વર્ષે નિર્ણય લીધો હતો કે, બ્લોક કમિટીઓ માટે 16 એપ્રિલથી 31મી મે સુધી ચૂંટણી થશે, જ્યારે જિલ્લા કમિટીઓના અધ્યક્ષની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ દરમિયાન કરાવવામાં આવશે.

