ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કર્યું

Tuesday 30th August 2022 16:32 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપે ત્રિસ્તરીય સર્વેક્ષણ શરૂ કરાવ્યું છે. પહેલું સર્વેક્ષણ પાર્ટીના કેટલાક નેતાઓને સોંપવામાં આવ્યું છે. બીજું સર્વેક્ષણ પ્રાઇવેટ સંસ્થા કરી રહી છે અને ત્રીજું સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોને સોંપાયું છે. આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે ભાજપે પ્રથમવાર કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળે એવી છે અને તેનું પર્ફોમન્સ કેવું રહેશે તે તેના સર્વેમાં ઉમેર્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને પડકાર આપનાર જો કોઈ હોય તો તે કોંગ્રેસ નહીં પણ અરવિંદ કેજરીવાલ અને તેમની આપ પાર્ટી છે.

આ સર્વેમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી, કેમ કે ભાજપ જાણે છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં ત્રીજા ક્રમે ધકેલાઈ જશે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસને 182 બેઠકો પૈકી શહેરની વિસ્તારની 70 બેઠકોમાં ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવાર મળતા નથી. સ્ટેટ આઈબીને સમગ્ર રાજ્યની 182 બેઠકોના સર્વેક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં વર્તમાન ધારાસભ્યો અને સંસદસભ્યોની કામગીરી બાબતે જાહેર જનતા અને વેપારી વર્ગ, કર્મચારી વર્ગ, મહિલાઓ, યુવાનો અને અન્ય સંસ્થાઓને પ્રશ્નો પૂછવાની યાદી તૈયાર કરાઈ છે. વિવિધ પ્રશ્નોની યાદી પાર્ટીના સંગઠનના નેતાઓ અને ટોચના કાર્યકરોને તેમજ પ્રાઇવેટ સંસ્થા-એનજીઓને પણ આપવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની લોકોના માનસ પર કેવી અસર થઈ છે. મોંઘવારી અંગે જનતા શું માને છે, બેકારી અને રોજગારીના પ્રશ્નો, ભાજપની વર્તમાન સરકારની કામગીરી, ધારાસભ્યોના નેગેટિવ અને પોઝિટિવ પાસાં, મંત્રીઓના વિસ્તારમાં તેમનો લોકસંપર્ક સહિતના મુદ્દાઓ આ પ્રશ્નાવલીમાં આવરી લેવાયા છે. ગુજરાતમાં 2017ની ચૂંટણી સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી છે પરંતુ 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થઈ રહ્યો છે. આ વખતે આપ પાર્ટી વધારે આક્રમક છે તેથી ભાજપના ત્રણ સર્વેમાં આ પાર્ટીની ઈમ્પેક્ટ માટે ખાસ માહિતી એકત્ર કરવાનું કહેવાયું છે. આપ પાર્ટીએ આપેલી વિવિધ ગેરન્ટીની સ્કીમોની લોકો પર પડેલી અસરનો પણ અભ્યાસ કરાશે.


comments powered by Disqus