દુમકાઃ ઝારખંડના દુમકામાં 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. રાંચીની હોસ્પિટલમાં છેલ્લાં પાંચ દિવસથી જીવન-મરણ વચ્ચે જંગ ખેલી રહેલી વિદ્યાર્થિનીનું મોત થયું હતું. દુમકામાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિદ્યાર્થિનીની અંતિમયાત્રા નીકળી હતી. લોકોએ હત્યારાને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી.ઝારખંડના દુમકામાં એક વિદ્યાર્થિનીનો મોબાઈલ નંબર મેળવીને શહેરનો જ શાહરૂખ નામનો યુવાન તેને ફોનમાં વાત કરવાનું દબાણ કરતો હતો. યુવાન 12મા ધોરણની વિદ્યાર્થિનીને ધમકી આપતો હતો કે જો એ ફોનમાં વાત નહીં કરે તો એને મારી નાખશે. દોસ્તી કરવાનો ઈનકાર કરનારી 12મા ધોરણની વિદ્યાર્થિનીને વહેલી સવારે ચાર વાગ્યે શાહરૂખે પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. વિદ્યાર્થિનીનો દર્દનાક અવાજ સાંભળીને દાદા-દાદી, પિતા, ભાઈ વગેરે જાગી ગયા હતા અને આગ ઠારીને તેને ગંભીર હાલતમાં દુમકાની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. એ પછી સ્થિતિ વધારે કથળી જતાં વિદ્યાર્થિનીને રાંચીની રિમ્સમાં દાખલ કરાઈ હતી. છેલ્લાં પાંચ દિવસથી રાંચીની હોસ્પિટલમાં આ વિદ્યાર્થિની જીવન-મરણ વચ્ચે જંગ ખેલતી હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી.

