નવીદિલ્હીઃ દેશમાં આત્મહત્યાને કારણે થયેલા મોતના આંકડા વિશે નેશનલ ક્રાઇમ રેકોડ્ર્સ બ્યૂરો (NCRB)ના ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. NCRBના નવા રેકોર્ડ્સ અનુસાર વર્ષ 2021માં દર 10 લાખ લોકો પૈકી 120 લોકોએ આત્મહત્યા કરીને પોતાની જીવનદોર ટૂંકાવી હતી. આ આંકડો ગયા વર્ષની તુલનામાં 7.2 ટકા જેટલો વધી ગયો છે. 2021માં 1.64 લાખથી વધારે લોકોએ આત્મહત્યા કરી હતી એટલે કે રોજ 450 મોત સ્યુસાઇડને કારણે થયા હતા. રિપોર્ટ અનુસાર ડેઇલી વેજ અર્નર (રોજ કમાણી કરનાર વર્ગ)ના લોકો 2021માં આત્મહત્યા કરનારા સૌથી મોટા પ્રોફેશનલ ગ્રૂપમાં સૌથી મોટો હતો.
રિપોર્ટની પાંચ મહત્ત્વપૂર્ણ બાબત
1. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે 22,207 લોકોએ સ્યુસાઇડ કર્યુ હતું. તે બાદ તામિલનાડુમાં 18,925 અને મધ્યપ્રદેશમાં 14,965 લોકોએ આત્મહત્યા કરી હતી. દિલ્હીમાં 2,840 આત્મહત્યા થઈ હતી.
2. 18-30 વર્ષની વયજૂથના 56,543 યુવાન, 30થી 45 વર્ષની વયજૂથના 52,054 લોકોએ આત્મહત્યા કરી હતી.
3. આત્મહત્યા કરનારા 64 ટકા એટલે કે 1.05 લાખ લોકો એવા હતા જેમની વાર્ષિક કમાણી 1 લાખ કરતા ઓછી હતી. જ્યારે 32 ટકાની કમાણી 1થી 5 લાખની વચ્ચે હતી.
4. આત્મહત્યા કરનારા 25 ટકા કરતા વધારે લોકો એવા હતા જે દાડિયા મજૂર હતા. જ્યારે 14 ટકાથી વધારે ગૃહિણીઓ હતી.
5. આત્મહત્યા કરનારા 24 ટકા લોકો 10 કે 12 ધોરણ જેટલું જ ભણેલા હતા જ્યારે 11 ટકા અભણ હતા. માત્ર 4.6 ટકા જ એવા હતા જેમણે ગ્રેજ્યુએશન અથવા તેના કરતાં વધારે અભ્યાસ કર્યો હતો.
સૌથી વધારે આત્મહત્યા
2021માં 1968માં આત્મહત્યાથી થનારા મોત કરતાં પણ વધારે ઊંચો દર જોવા મળ્યો હતો. સૌથી ઓછી આવક વર્ગ (દર વર્ષે એક લાખથી ઓછી આવકવાળા લોકો), જે આત્મહત્યાથી થનારા મોતનો લગભગ બે તૃતીયાંશ હિસ્સો છે અને સૌથી વધારે છે.
દર વર્ષે 7 લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે
WHOના અનુસાર 15 થી 29 વર્ષના યુવાનો વચ્ચે મોતનું ચોથું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. NCRBએ પોતાના રિપોર્ટમાં આત્મહત્યા કરવાના કારણ પણ જણાવ્યા છે.

