રાજકોટઃ કોરોના કાળથી વિશ્વબજારમાં નિકાસ માટે કન્ટેઇનરોની વ્યાપક અછત સર્જાઈ છે અને તેના કારણે ભાડામાં પણ ખૂબ જ વધારો થઈ ગયો છે. કન્ટેઇનરોની અછતે આખી દુનિયાના નિકાસકારો-આયાતકારોને ચિંતામાં મૂકી દીધા હતા પણ આફતને અવસરમાં પલટીને ભાવનગરની બે જેટલી કંપનીઓએ કન્ટેઇનરનનાં ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે. એ ઉપરાંત છ ઉત્પાદક હવે આ દિશામાં આયોજન કરી રહ્યા છે તે જોતા કન્ટેઇનરનાં ઉત્પાદનમાં ભાવનગર કાઠું કાઢે તેમ છે.
કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે કોન્કોર તરીકે ઓળખાય છે. તેણે ભાવનગરના એક ઉત્પાદકને 10 હજાર કન્ટેઇનર બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. એક જ વર્ષમાં તેની ડિલિવરી કરવામાં આવશે. બીજી એક કંપની પણ હવે કન્ટેઇનરનું કોર્મશિયલ ઉત્પાદન કરવના રસ્તે ઘણી આગળ નીકળી ગઈ છે. એ સિવાય પણ છ એક જેટલા ઉત્પાદકો હવે આ બિઝનેસમાં ઝંપલાવવા માટે થનગની રહ્યા છે.
કોન્કોરનો ઓર્ડર ભાવગરના વરતેજની કંપની એપીપીએલ કન્ટેઇનર્સ પ્રાઇવેટ લિમિટેડને મળ્યો છે. કંપનીએ ગયા એક વર્ષથી રૂ. 70 કરોડનું રોકાણ કરીને ઉત્પાદન ક્ષેત્રે જંપલાવ્યું છે. કંપનીએ કહ્યું કે, કન્ટેઇનરો માટે કોન્કોરનું ટેન્ડર આંતરરાષ્ટ્રીય હતું. એ મેળવવામાં અમને સફળતા સાંપડી છે. આઇએસઓ સ્ટાન્ડર્ડ સાથે કંપની ઉત્પાદન કરે છે.
