વેરાવળ: સોમનાથ મહાદેવના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથના દર્શને આવતા પ્રવાસીઓને ખાસ સુવિધાઓ પૂરી પડાઈ છે. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના બનાવાઈ છે. પ્રવાસી સુવિધા કેન્દ્ર હોય કે પછી સોમનાથ ટ્રસ્ટના વિશાળ અતિથિગૃહો હોય,આવી અનેક સુવિધાઓ યાત્રીઓના પ્રવાસને વધુ સુલભ અને આનંદપ્રદ બનાવે છે. પ્રધાનમંત્રી અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ, સોમનાથ ટ્રસ્ટે દરેક યાત્રિકો માટે લાભદાયી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરી છે. આ ભોજનશાળામાં સ્વચ્છતા, ગુણવત્તા અને આદરને મૂળ મંત્ર બનાવાયો છે. ભોજનશાળાના રસોડા અને ડાઇનિંગ રૂમમાં સ્વચ્છતા જળવાઈ રહે માટે દિવસભર સફાઈ શરૂ રહે છે.
