ભુજઃ દેશની આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સીમાએ આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા બળ દ્વારા હાલના સમયમાં સતત માદક પદાર્થ ઝડપવાનું કાર્ય સામે આવી રહ્યું છે. એમાં ફરી એક વખત ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને રૂ. 280 કરોડના ડ્રગના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘૂસણખોર સહિત ઝડપી પાડવામાં આવી છે. પાક. આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે. જોકે મોટી માત્રામાં પકડાયેલાં ડ્રગ્સના જથ્થાને લઈ સલામતી દળો વધુ સાબદા બની ગયાં છે.
આ પૂર્વે ગત વર્ષની 9 ફેબ્રુઆરીના રોજ 11 પાક. બોટ સલામતી દળોને ક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને ત્યાર બાદ છુપાયેલા 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. એ બાદ ક્રિક વિસ્તારમાંથી સતત ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપાયેલા પાક. આરોપીઓને જખૌ બંદર પર લઈ આવ્યા બાદ વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની સંભાવના રહેલી છે. ભારતમાં અત્યારસુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું, પરંતુ આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સમાફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

