દરેક આદિવાસી જિલ્લામાં 75 તળાવ બનાવોઃ મોદી

Tuesday 26th April 2022 11:21 EDT
 
 

વડોદરા: મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના ખરોડ ખાતે વિરાટ જનસાગરમાં ફેરવાયેલા આદિવાસી મહાસંમેલનને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં 75 મોટા તળાવો બનાવી શકશો? આ વરસાદનુ પાણી તળાવમાં ભરાય તેવુ વચન આપી શકો? આ તળાવો બનાવોમાં ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી શકાશે. ખાસ કરીને આજના યુવાનો જ્યારે દેશની આઝાદીની શતાબ્દિકાળે આ તળાવો થકી પોતાનુ યોગદાન અંકિત કરી શકશે અને ચોમાસા સુધીમાં તળાવો બની જશે તો અંબાજીથી ઉંમરગામ સુધીની આદિવાસી પટ્ટો પાણીદાર બની જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.1809.79 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ, ખાતમૂહુર્ત કરાયુ હતુ જ્યારે પંચમહાલ જિલ્લામાં જનસુખાકારી અને જનસુવિધાના રૂ.159.71 કરોડનાવિકાસ કામોનુ લોકાર્પણ કરાયુ હતુ. તેમજ ભારતીય રેલવે દ્વારા દાહોદ વર્કશોપમાં રૂ.20 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર 9 હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. આમ કુલ રૂ.21969.50 કરોડના વિકાસ કામોનુ લોકાર્પણ, ખાતમૂહુર્ત અને શિલાન્યાસ વડા પ્રધાનના હસ્તે કરાયુ હતુ.
દાહોદ જેવા વિસ્તારમાં 20 હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસીઓમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. દાહોદ મેક ઈન ઈન્ડિયાનુ સૌથી મોટુ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુલામીકાળ ખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જિનના કારખાનાને હવે 20 હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવામાં આવી રહ્યું છે. અહીં 9 હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ રેલવે એન્જિન બનાવવામાં આવશે. જે મેક ઈન ઈન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઈલેક્ટ્રીક રેલવે એન્જિનની માગ પુરી કરવામાં દાહોદ મહત્વની ભુમિકા અદા કરશે.


comments powered by Disqus