ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022ના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું હતું કે પરંપરાગત આયુષ ઉપચાર અર્થે ભારત આવવા માગતા વિદેશી નાગરિકો માટે ‘આયુષ વિઝા’ કેટેગરી શરૂ કરાશે. આ સાથે જ તેમણે દેશમાં આયુષ ઉત્પાદનોના સંશોધનો માટે ‘આયુષ પાર્ક’નું નેટવર્ક બનાવવાની તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોની નિકાસ થાય અને લોકોને આ પરંપરાગત ઔષધો ઉપર ભરોસો બેસે તે માટે તેના ઉપર ‘આયુષ માર્ક’ લગાવવાની પ્રથા શરૂ કરવાની જાહેરાતો પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આયુષ સેક્ટરમાં 2014 પહેલા 3 બિલિયન ડોલરથીયે ઓછું ઉત્પાદન હતું, જે આજે 18 બિલિયન ડોલરનો આંકડો પાર કરી ગયું છે. આ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ અને મોરેશિયસના વડા પ્રધાન પી. જુગન્નાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 20થી 22 એપ્રિલ એમ ત્રણ દિવસ માટે યોજાયેલી આ સમિટને સંબોધતા એમણે કહ્યું કે, કેરળના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પરંપરાગત દવાઓ અને ઉપચાર પદ્ધતિનો મોટો ફાળો છે. આવા જ વિકાસની સંભાવના દેશના પ્રત્યેક ખૂણામાં રહેલી હોવાથી ‘હીલ ઈન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે અને દેશમાં આયુર્વેદ, યુનાની, હોમિયોપેથી ચિકિત્સા આધારિત વેલનેસ સેન્ટરો લોકપ્રિય બની શકે છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટ ઓફ ઇંડિયા (FSSAI)એ તાજેતરમાં હર્બલ ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટ્સ માટે ‘આયુષ આહાર’ની પણ જાહેરાત કરેલી છે.
વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના મહામારીએ દુનિયાના હડકંપ મચાવેલો ત્યારે લોકોમાં ઇમ્યૂનિટી વધારવામાં પરંપરાગત દવાઓએ મોટો ભાગ ભજવ્યો હતો. એ સમયે આ દવાઓની નિકાસ ખૂબ વધી ગઇ હતી. મેઈડ ઇન ઇન્ડિયાની કલ્પના સાકાર થયેલી જોઇને આયુષ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા ગ્લોબલ સમિટ યોજવાનો વિચાર આવ્યો હતો, જેનો હવે પ્રારંભ થઈ રહ્યો છે.
કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીની આંખોની રોશની પાછી આવી
વડા પ્રધાન મોદીએ આયુષને લઈને એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, મારા જૂના મિત્ર એવા કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ રાયલા ઓડિંગા અને તેમની દીકરી બાબતે એક વાત કહેવા માંગુ છું. તેઓ થોડા દિવસ અગાઉ મને દિલ્હીમાં મળ્યા ત્યારે કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિના દીકરી રોઝમેરીની બ્રેઇન ટયુમરની સર્જરી થઈ હોવાથી તેને આંખે દેખાતું બંધ થઇ ગયું હતું. તેઓ ભારે દુઃખી હતા. આજે ભારતમાં આયુર્વેદિક ઉપચાર બાદ તેની આંખોની દ્રષ્ટિ પાછી આવી છે અને રોઝમેરીની બહેન આજે આયુર્વેદમાં ભણાવવાનું કામ કરે છે. આજે રોઝમેરી અહીં હોલમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે.’ આ સમયે રોઝમેરીએ ઊભા થઈ હાથ જોડીને આભાર માન્યો હતો.
વડા પ્રધાન મોદીએ રામાયણનો એક પ્રસંગ ટાંકીને સમજાવ્યું હતું કે, લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા હતા ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની લઈ આવ્યા. આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું. મોદીએ કહ્યું કે, અમે તો દુનિયાના દુઃખો દૂર કરવાનો સંકલ્પ લીધો છે, સર્વે સંતુ નિરામયાની ભાવનાથી જ કામ કરીએ છીએ. આયુર્વેદ પણ હજારો વર્ષની તપસ્યાના ફળમાંથી પ્રાપ્ત થયેલી ઉપચાર પદ્ધતિ છે.
ગુજરાત વૈશ્વિક યાત્રાધામ બનશેઃ ડો. ટેડ્રોસ
મહાત્મા ગાંધીના આ ભૂમિમાં આવીને મને ઘણી ખુશી થઈ છે. એમ ગુજરાતીમાં બોલીને વકતવ્યનો આરંભ કરનારા ‘હૂ’ના ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસે કહ્યું કે, જામનગરમાં સ્થાપાનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન થકી ભારતીય દવાઓ આખા વિશ્વમાં જશે અને આખું વિશ્વ ભારત પાસે આવશે તથા ગુજરાત વૈશ્વિક યાત્રાધામ બની જશે. એમણે કહ્યું કે, ‘હૂ’ના 45 વર્ષ પુરા થઈ રહ્યા છે અને ભારત પણ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડા પ્રધાન મોદીએ મૂકેલા પ્રસ્તાવ મુજબ આવતા વર્ષે પરંપરાગત દવાઓ-ઉપચાર પદ્ધતિના સંદર્ભમાં પ્રથમ બેઠક યોજાશે. ડો. ટેડ્રોસે એવું પણ ટાંક્યુ હતું કે, આ વર્ષના અંત સુધીમાં આયુષ સેક્ટર 23 બિલિયન ડોલરે પહોંચી જશે.
મોદીએ ડો. ટેડ્રોસનું નામ પાડ્યું ‘તુલસીભાઇ’
અમદાવાદ, તા 20ઃ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસને નવું નામ ‘તુલસીભાઈ’ આપ્યું હતું. આ નામ આપતાં જ સમગ્ર હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઊઠ્યો હતો. મોદીએ ડો. ટેડ્રોસ વિશે રાઝ ખોલતા કહ્યું હતું કે શાળાકાળ દરમિયાન તેમને એક ભારતીય શિક્ષકે ભણાવ્યા છે, જે ગૌરવની વાત છે. મોદીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે આજે તેમણે મને કહ્યું કે હું પાક્કો ગુજરાતી થયો છું. મારું ગુજરાતી નામ રાખી લો. એટલે મેં તેમનું નામ તુલસીભાઈ રાખ્યું છે. આટલું કહેતાં જ આખા હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ખુદ ડો. ટેડ્રોસ પણ ખડખડાટ હસી પડ્યા હતા.
મોદીએ ‘તુલસીભાઈ’ નામ કેમ રાખ્યું તેનોય ફોડ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તુલસીનો છોડ એવો છે કે જે ઘર ઘરમાં હોય છે અને તેની પૂજા થાય છે. તુલસી એ આધ્યાત્મિક વિરાસતનો હિસ્સો પણ છે. એટલું જ નહીં, દિવાળી બાદ તો કેટલાય સ્થળોએ તુલસી વિવાહ થાય છે.

