ભુજઃ ખડીરના નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. એ દરમિયાન મોરારિબાપુની રામકથા સાંભળવા આવેલા 86 વર્ષના વૃદ્ધાને જૂના ભંજડા દાદાનાં દર્શન કરવાની ઈચ્છા થતાં ચાલી નીકળ્યાં હતાં. છેક ડુંગર સુધી પહોંચીને અડધા ડુંગરનાં પગથિયાં ચડતી વખતે તેમને ચક્કર આવ્યાં હતાં અને તેઓ પડી ગયાં હતાં.
આસપાસ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાને કારણે તેઓ બેહોશ થઈ ગયાં હતાં. ત્યારે મોરારિબાપુની ચાલી રહેલી રામકથા દરમિયાન બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમાર બે.નં.310વાળાને માજી વિશે ખબર મળતાં તેઓ પાણી લઈને 5 કિ.મી ચાલીને ત્યાં પહોંચ્યા હતા. ઉપરાંત 86 વર્ષનાં વૃદ્ધ માજીને પ્રાથમિક સારવાર આપી. બાદમાં અશક્ત માજીને કથા સ્થળ સુધી 5 કિ.મી તેમના ખભા પર ઊંચકીને લઈ આવ્યાં હતાં.

