લોકોના દિલો વચ્ચેનું અંતર દૂર કરવા આવ્યો છુંઃ કાશ્મીર પ્રવાસે મોદી

Tuesday 26th April 2022 16:29 EDT
 
 

જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ-કાશ્મીરને અનેક ભેટ-સોગાદોની લ્હાણી કરી હતી. તેમણે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો અને સામ્બામાં 108 જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને 500 કિલોવોટના સોલર પાવર પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે દેશભરમાંથી સામેલ થયેલા સભ્યોને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઘણી શુભેચ્છા. આજે જમ્મુ કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટેનો એક મહત્વનો દિવસ છે.
તેમણે કહ્યું કે અહીં લોકોમાં દિલો અને વ્યવહાર વચ્ચેનું અંતર દૂર કરવી તેમની પ્રાથમિકતા છે. સરકાર નવી પેઢીની સમસ્યા દૂર કરવા પર ધ્યાન આપશે. હું જ્યારે પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરું છું, ત્યારે અમારું ફોકસ કનેક્ટિવિટી પર હોય છે. અંતર દૂર કરવા પર પણ હોય છે. અંતર દિલોના હોય, ભાષા-વ્યવહારના હોય અથવા સંશાધનો હોય, તેમને દૂર કરવું આજે અમારી મહત્વની પ્રાથમિકતા છે.
20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ
મોદીએ જણાવ્યું હતું કે આ વિસ્તાર મારા માટે નવો નથી અને હું પણ તમારા લોકો માટે નવો નથી. હું અહીંની નાનામાં નાની વાતોથી વર્ષોથી પરિચિત છું. મારા માટે ખુશીની વાત એ છે કે આજે અહીં કનેક્ટિવિટી અને વીજળી ક્ષેત્ર સંબંધિત ~20,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. આજે ઘણા ગામોના પરિવારોને તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. આ 100 જન ઔષધિ કેન્દ્રો જમ્મુ કાશ્મીરના ગરીબ અને મધ્યવર્ગના લોકોને સસ્તી દવા અને સસ્તાં સર્જિકલ સામાન પૂરો પાડવાનું માધ્યમ બનશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વખતે જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજ દિવસની ઉજવણી થઈ રહી છે, જે મોટા પરિવર્તનનું પ્રતિક છે. જમ્મુ કાશ્મીરમાં લોકતંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચ્યું છે તે ગર્વની વાત છે. અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 2થી 3 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં વિકાસના નવા સીમાસ્થંભ સ્થાપિત થયા છે. કેન્દ્ર સરકારના આશરે 175 કાયદા અહીં લાગુ પડતા ન હતા. અમે જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકોને સશક્ત બનાવવા માટે આ કાયદાનો અમલ ચાલુ કર્યો છે.


comments powered by Disqus