સંક્ષિપ્ત સમાચાર (દેશવિદેશ)

Tuesday 26th April 2022 16:31 EDT
 

• મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના લાઉડસ્પીકર્સ બંધ કરાયાંઃ દેશભરમાં ધાર્મિક સ્થળોમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને થયેલાં વિવાદ બાદ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે વિવિધ નિયંત્રણો લદાયા છે. યોગી સરકારના આદેશને પગલે ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના શિખર પર લગાવેલા લાઉડસ્પીકર્સ બંધ કરી દેવાયા છે. દરમિયાનમાં ગૌતમ બુદ્ધ નગર પોલીસે મંદિર અને મસ્જિદ સહિત આશરે 900 જેટલાં ધાર્મિક સ્થળોને લાઉડસ્પીકર્સના ઉપયોગ મામલે નોટિસ આપી છે.
• પડોશી દેશોમાં વસતા શીખોના હિતમાં સીએએ કાયદો લાવવામાં આવ્યોઃ મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના દસમાં ગુરુ તેગબહાદુરના ૪૦૦માં પ્રકાશપર્વ પર દેશને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં સીએએની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પડોશમાં વસતા શીખોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ કે સમાજ માટે ભય સર્જયો નથી. આજે પણ અમે સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર કરીએ છીએ. તેથી વડાપ્રધાને શીખ સમાજના લોકોના હક્કમાં નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.
• રાજસ્થાનમાં અલવરના રાજગઢમાં 300 વર્ષ જૂના શિવમંદિર પર બૂલડોઝર ફર્યુંઃ રાજસ્થાનના અલવરમાં જિલ્લામાં આવેલા રાજગઢમાં 300 વર્ષ જૂનું એક મંદિર બૂલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. એ મુદ્દે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સામા-સામા આરોપો મૂકી રહ્યા છે. મંદિર તૂટયું એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
• પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના માછીમારો સહિત 701 ભારતીયો કેદઃ પાકિસ્તાનની સમુદ્રી સંસ્થા પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી (પીએમએસએ) આંતરરાષ્ટ્રીય જળસીમામાં માછલી પકડવા જતાં ગુજરાતના માછીમારોની ગેરકાયદે ધરપકડ કરીને તેમની જેલોમાં ગોંધી રાખે છે. ભારતીય વિદેશ મંત્રાલયના એક અહેવાલ મુજબ પાકિસ્તાની જેલોમાં ગુજરાતના માછીમારો સહિત ૭૦૧ ભારતીય નાગરિકો
કેદ છે.
• ફ્રાન્સમાં ઇમેનુએલ મેક્રોં ફરીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા: ઇમેનુએલ મેંક્રો સતત બીજીવાર ફ્રાન્સના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે. 2002 બાદ સતત બીજી વાર ફ્રાન્સના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાનારા તેઓ પ્રથમ નેતા છે. તેમણે નેશનલ રેલી પાર્ટીના જમણેરી વિચારસરણી ધરાવતાં મરીન લે પેનને મોટા માર્જિનથી હરાવ્યા છે. છેલ્લા રાઉન્ડમાં મેક્રોંને 58.2 ટકા વોટ મળ્યા હતા. જેની સામ લે પેનને 41.8 ટકા જ મત પ્રાપ્ત થયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
• શાંઘાઈ પછી બેઇજિંગમાં લોકોની ચીજવસ્તુઓ ખરીદવા માટે પડાપડી: ચીનમાં કોરોના જે રીતે વધી રહ્યો છે તે પછી બેઇજિંગમાં લોકોએ આવશ્યક ચીજોની ગભરાટભરી ખરીદી શરૂ કરી છે. બજારોમાં અને મોલમાં લોકોએ લાંબી લાંબી લાઈનો લગાવી છે. સરકાર દ્વારા માસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ શરૂ કરાયું છે. શાંઘાઈ પછી બેઇજિંગમાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી લોકોમાં દહેશત છે.
• વિશ્વનું સંરક્ષણ બજેટ પહેલી વખત 160 લાખ કરોડ રૂપિયાને પારઃ સ્વીડનની ડિફેન્સ થિંક ટેંક એસઆઈપીઆરઆઈ (સિપરી)ના અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયાનું ડિફેન્સ બજેટ પહેલી વખત 2.1 ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે 160 લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. અહેવાલ પ્રમાણે અમેરિકા પ્રથમ, ચીન બીજા અને ભારત ત્રીજા ક્રમે છે. રશિયા અને બ્રિટનનો પણ સૌથી વધુ બજેટ ફાળવતા દેશોમાં ટોપ-પમાં સમાવેશ થાય છે. સ્વીડનની થિંક ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલમાં દાવો કરાયો હતો કે સતત સાતમા વર્ષે દુનિયાના સંરક્ષણ બજેટમાં વધારો થયો છે. પ્રથમ વખત દુનિયાનું ડિફેન્સ બજેટ 2113 અબજ ડોલર થયું છે. પ્રથમ વખત આ બજેટ બે ટ્રિલિયન ડોલર એટલે કે 20 અબજ ડોલર કરતાં વધ્યું છે.


comments powered by Disqus