સરકાર કેવી ચાલે છેઃ વડાપ્રધાને મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી

Tuesday 26th April 2022 16:23 EDT
 
 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે આવ્યા છે. રાજભવન ખાતે વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ વર્તમાન સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી. સૂત્રોના મતે, મંત્રીઓ સાથે બેઠક કરી મોદીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જ નહીં, પણ વિધાનસભાની ચૂંટણી અંગેનો તાગ મેળવી લીધો હતો.
સોમવારે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર નિહાળ્યા બાદ વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ માટે રાજભવન પહોંચ્યા હતા. મોડીરાત્રે સૌ પ્રથમ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડાપ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા. મોદીએ મહેસૂલ મંત્રી સાથે મહેસૂલની વિવિધ યોજનાને લઈને ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી ઉપરાંત મંત્રી અરવિંદ રૈયાણી પણ વડાપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન રૈયાણીએ પવિત્ર યાત્રાધામ બોર્ડની માહિતી અંગેની પુસ્તિકા અર્પણ કરી પ્રવાસન યોજના વિશે જાણકારી આપી હતી. મોડીરાત્રે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા પણ મોદીને મળ્યા હતા.
ઊર્જા મંત્રી મુકેશ પટેલે નરેન્દ્ર મોદીને મળીને ઊર્જાલક્ષી યોજના ઉપરાંત ઊર્જાની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. વન મંત્રી કિરીટસિંહ રાણા અને મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે મોદીએ બેઠક કરી હતી.
વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ બધાય મંત્રીઓનો એક જ જવાબ હતો કે આ માત્ર વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત હતી. સૂત્રોના મતે, મોડી રાત્રે મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક યોજીને વર્તમાન સરકાર કેવી ચીલે છે તેની વડાપ્રધાને સમીક્ષા કરી હતી. હાલમાં વહેલી ચૂંટણી અંગેની અટકળો ચાલી રહે છે ત્યારે મંત્રીઓ સાથે બેઠક યોજીને મોદીએ ગણતરીની મિનિટોમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગેનો તાગ મેળવી લીધો હતો.


comments powered by Disqus