ભુજઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે, બહેતર આરોગ્ય સુવિધાઓ માત્ર રોગની સારવાર સુધી મર્યાદિત નથી, તે સામાજિક ન્યાયને પણ પ્રોત્સાહિત કરે છે. જ્યારે ગરીબો માટે સસ્તી અને શ્રોષ્ઠ સારવાર ઉપલબ્ધ હોય છે, ત્યારે તેનો સિસ્ટમમાં વિશ્વાસ મજબૂત થાય છે. જો તેઓને સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળે છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. વિસ્તારની દૃષ્ટિએ હરિયાણા અને કેરળ જેવા રાજ્યથી પણ મોટા એવા કચ્છ જિલ્લામાં વિશાળ અંતરના કારણે આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા પૂરી પાડવામાં અગત્યનું સાધન બનશે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણના તાજેતરના વિસ્તરણ વિશે વાત કરતા કહ્યું હતું કે, આજે 9 AIIMS, ત્રણ ડઝનથી વધુ મેડિકલ કોલેજો છે, જે અગાઉ 9 કોલેજો હતી. મેડિકલ સીટ 1100થી વધીને 6000 થઈ છે. રાજકોટ AIIMS કાર્યરત થઈ ગઈ છે.
ના તો હું કચ્છ છોડી શકું છું અને ન તો કચ્છ મને છોડી શકે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કચ્છમાં ભૂકંપની દર્દનાક સ્થિતિમાં મારો જે નાતો તમારી સાથે જોડાઈ ગયો. એનું પરિણામ છે કે, ના તો હું કચ્છ છોડી શકું છું અને ન તો કચ્છ મને છોડી શકે. આવું સૌભાગ્ય જાહેરજીવનમાં બહુ ઓછા લોકોને મળે છે.
આ છે સન્માનીય સેવાના ભેખધારી દાતાઓ
સમાજની મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સવા બે કિલોની ચાંદીની તલવાર તેમજ સ્વામીનારાયણના સાંખ્યયોગિની બહેનો દ્વારા વડાપ્રધાનના માતા હીરાબેન માટે સાડી કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને આપી હતી. લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પણ ચાંદીની તલવાર, મોમેન્ટો, શાલ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે દાતા સર્વઓને હોસ્પિટલના નામકરણ દાતા કે.કે.પટેલ પરિવારનું, હસમુખભાઈ કાનજી ભુડિયા, શામજીભાઇ દબાસીયા, દીપેશભાઈ શ્રોફ, વેલજી ઝીણા ગોરસીયા, શશીકાંતભાઈ વેકરીયા, ધનજીભાઈ કરશન વરસાણી, રવજીભાઈ ગોવિંદ વરસાણી, લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી, નારાણભાઈ કેરાઈ, કલ્યાણભાઈ રવજી વેકરીયા, વેલજીભાઈ પિંડોરીયા, કાનજીભાઈ ભીમજી રાઘવાણી, કરશનભાઈ રવજી મનજી કારા, કે.કે. જેસાણી, કેશરાભાઈ વિશ્રામ ભુડિયા, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર જેવા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.

