બોટાદઃ સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્કેવર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણા માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. મૂર્તિની ડિઝાઈન અંગે કુંડળધામના શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.
મૂર્તિની વિશેષતા જોઈએ તો, દાદાની મૂર્તિ સાળંગપુર આવતા 7 કિ.મી. દૂરથી દેખાવા લાગશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે. બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે. બેઝ પર સાળંગપુરધામનો ઈતિહાસ કંડારથી વોલ મ્યુરલથી સુશોભિત થશે. પરિક્રમા અને દાદાનીમૂર્તિના મધ્યમાં 11,900 સ્કેવર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. આ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઈટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેશન શોનો રોમાંચ માણી શકાશે.

