ગુજરાતમાં સીઝનનો 66 ટકા વરસાદ, છેલ્લાં પાંચ વર્ષમાં જુલાઇમાં સૌથી વધુ

Wednesday 27th July 2022 09:54 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં આ વખતે મોટાભાગના સ્થળોએ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અત્યારસુધી 22 ઈંચ સાથે મોસમનો 66 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જુલાઇ માસમાં જ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોય તેવું 2017ના વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે. એ વખતે જુલાઇના અંત સુધીમાં 26 ઈંચ સાથે સીઝનનો 81 ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગત વર્ષે 25 જુલાઇ સુધીમાં રાજ્યમાં સીઝનનો 27 ટકા વરસાદ માંડ વરસ્યો હતો.
ગુજરાતના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ, 74 તાલુકામાં 19.72થી 39.96, 107 તાલુકામાં 9.88થી 19.68, 39 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાંથી હાલ માત્ર 3તાલુકા એવા છે જ્યાં 2 થી 4.92 ઈંચ વચ્ચે છે. સરેરાશ પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 21 ઈંચ સાથે સૌથી વધુ 116 ટકા વરસાદ વરસ્યો છે. ઈંચ પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 83 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં 8 ઈંચ સાથે વરસાદનું પ્રમાણ માત્ર 29 ટકા છે.
વીતેલા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જે પૈકી મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અરવલ્લી જિલ્લાના ધનસુરા, બાયડ, ભિલોડા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગરના દહેગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 3, પાલનપુરમાં 1 ઈંચ તેમજ આણંદ જિલ્લાના પેટલાદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ, તો 8 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
રીજિયન પ્રમાણે

ક્ષેત્ર વરસાદ સરેરાશ
કચ્છ 21 116 ટકા
ઉત્તર 13 47 ટકા
પૂર્વ-મધ્ય 18 56 ટકા
સૌરાષ્ટ્ર 17 61 ટકા
દક્ષિણ 47 80 ટકા
સરેરાશ 22 66 ટકા

કયા તાલુકામાં સૌથી વધુ?
તાલુકો જિલ્લો વરસાદ
કપરાડા વલસાડ 117
ધરમપુર વલસાડ 98
ખેરગામ નવસારી 81
વાંસદા નવસારી 78

કયા જિલ્લામાં સૌથી વધુ?
જિલ્લો વરસાદ સરેરાશ
વલસાડ 83 92 ટકા
ડાંગ 70 75 ટકા
નવસારી 62 85 ટકા
નર્મદા 46 108 ટકા
સુરત 40 70 ટકા

કયા જિલ્લામાં સૌથી ઓછો?
જિલ્લો વરસાદ સરેરાશ
દાહોદ 8 29 ટકા
બોટાદ 10 40 ટકા
સુરેન્દ્રનગર 10 44 ટકા
ભાવનગર 10 44 ટકા
અમદાવાદ 12 44 ટકા
(* વરસાદના આંકડા ઈંચમાં)


comments powered by Disqus