પાલનપુર: વડગામ તાલુકાના જલોત્રા ગામનું કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા પાલનપુર અને વડગામના પશુપાલક - ખેડૂતોએ છેલ્લા ૨૫ વર્ષથી સરકારમાં અનેકવાર રજુઆત કરી હતી. તેમ છતાં તળાવ તેમજ ડેમમાં પાણી ન આવતા ખેડૂતોએ ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.જેને લઇ ગુરુવારે જલોત્રા ગામ સહિત આસપાસના ૧૨૫ ગામના ૩૦૦થી વધુ ટ્રેક્ટર અને ૧૦૦થી વધુ નાના મોટા વાહનોમાં આવેલા અંદાજીત ૨૦ હજાર ખેડૂતોએ પાલનપુર આદર્શ હાઈસ્કૂલ ખાતે ભેગા મળી જંગી સભા બાદ મહારેલી યોજી હતી. જ્યાં પાણી આપોના નારા સાથે આખું શહેર ગજવ્યું હતું. કલેકટર કચેરીએ રેલી આવતા દરવાજા બંધ કરી દેવાયા હતા. આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ડિંડરોલ નજીક ખોરસમ પાસેના મુખ્ય નર્મદા કેનાલથી ૩૦૦ ક્યુસેક પાણી કરમાવદમાં ઠાલવવા માંગ કરી જો પાણી નહિ આવે તો આગામી ચૂંટણીમાં સરકારને ભારે પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

