રાજકોટઃ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર 8 વર્ષ પૂર્ણ કરી રહી છે, 8 વર્ષમાં માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર છોડી નથી, ગુજરાતના માટીમાંથી, બાપુ અને સરદારની ભૂમિના સંસ્કારથી મેં ભૂલથી પણ એવું કોઈ કામ કર્યું નથી જેનાથી ગુજરાતને કે દેશના લોકોને સર ઝુકાવવું પડે'' રાજકોટ નજીક આટકોટ ખાતે જંગી જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 8 વર્ષ અગાઉ તમે મને વિદાય આપેલી - પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે. 8 વર્ષમાં ડબલ એન્જિનવાળી સરકારથી ગુજરાતને ડબલ લાભ થયો છે, અમારું લક્ષ્ય ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લાવવાનું છે.
આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટની કે.ડી. પારવાડિયા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વિશાળ માનવ મહેરામણને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતના લોકો પાસેથી, બાપુ અને સરદારની ભૂમિમાંથી મળેલા સંસ્કારથી આજે 8 વર્ષમાં ગરીબોની સેવા, સુશાસન ગરીબ કલ્યાણને પ્રાથમિકતા મળે છે. પજ્ય બાપુ અને સરદારનું જે સ્વપ્ન હતું એવા ભારત માટે ઈમાનદાર પ્રયાસ કર્યો છે. ગરીબો વંચિતો, પીડિતો, આદિવાસી, મહિલા-બાળ સૌ સશક્ત બને તેવું આ ભારત છે. ગરીબોની સરકાર હોય તો તે કેવી રીતે કામ કરે તે આખ્ખો દેશ જુએ છે. કોરોના જેવા સદીના મહાસંકટમાં સરકારે ગરીબો માટે અન્નના ભંડાર ખોલી દીધેલા, માતા- બહેનો માટે જનધન બેન્ક ખાતા, મફત ગેસ સિલિન્ડર, ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ અને બધાને મફત રસી અપાઈ. અત્યારે યુદ્ધના સમયમાં મધ્યમ વર્ગને મુશ્કેલી ના પડે એ ખાસ જોયું છે. આ પૂર્વે વડા પ્રધાનનું પરંપરાગત પાઘડી પહેરાવી કે.ડી. પારવાડિયા હોસ્પિટલના ટ્રસ્ટી ભરત બોઘરાએ સ્વાગત કર્યું હતું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ઉદ્દઘાટનમાં એમ તો ના બોલાય કે ભરેલી રહે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કારખાનાના ઉદ્દઘાટન થતા હોય તો એમ બોલીએ કે તેનો વિકાસ થાય સંખ્યા વધે પરંતુ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તો એમ ના કહેવાય કે ભરેલી રહે ? વડાપ્રધાને તેમના વક્તવ્યમાં હળવાશ સર્જી જણાવ્યું હતુ કે આવી હોસ્પિટલને બનાવનારા અભિનંદનને પાત્ર.
મોદીએ પૂછયું 'તમારે રસી માટે કાણી પાઈ આપવી પડી છે ?
દેશમાં કોરોના સંકટ વખતે સરકારે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ પછી તમામ લોકોને મફત રસીકરણની વ્યવસ્થા કરી એ વાત કરતા વડાપ્રધાને જનમેદનીને પૂછેલું કે તમે બધાએ રસી લીધી ? તમારે કાણી પાઈ આપવી પડે છે ?

