અદાણી સંચાલિત ભૂજની સિવિલને સરકાર હસ્તક લેવા માગ

Tuesday 31st May 2022 16:32 EDT
 

ભુજઃ જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ગેરવહીવટ બદલ કચ્છની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને સ્વાસ્થ્ય સંબંધી સેવાના અભાવે આ હોસ્પિટલનો વહીવટ હવે સંપૂર્ણપણે સરકાર હસ્તક લેવામાં આવે એવી માંગ સાથે સ્વૈચ્છિક સંસ્થા બહુજન આર્મીના નેજા હેઠળ ભુજ શહેરમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા તમામ વર્ગના હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા. સંસ્થાના લખન ધુઆએ પ્રજાલક્ષી સ્વાસ્થ્ય સવલતોની માંગ સાથે આ હોસ્પિટલના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરી 15 દિવસમાં સંચાલન બદલવામાં નહિ આવે કે યોગ્ય કાર્યવાહી હાથ નહિ ધરાય તો સરકાર સામે હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જિલ્લા સરકારી હોસ્પિટલના ખાનગી સંચાલન સામે વિરોધ કરવામાં આવતો રહ્યો છે. તેમ છતાં વહીવટમાં કોઈ ફાયદો ના જણાતાં આજે રવિવારે જિલ્લા મથક ભુજના આંબેડકર સર્કલથી જીકે જનરલ હોસ્પિટલ સુધી લોકોની વિશાળ રેલી યોજાઈ હતી. હાથમાં વિવિધ માંગ દર્શવતા પોસ્ટર હાથમાં લઈ લોકોએ વિરોધના સુરમાં પોતાનો સુર મિલાવ્યો હતો અને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓની માંગ કરી હતી.


comments powered by Disqus