અમદાવાદ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે અમદાવાદના સાબરમતી કન્ટેઇનર ડેપોમાં પડેલું રૂ.11.70કરોડનું 14.63 મેટ્રિક ટન રક્તચંદન ઝડપી પાડ્યું છે.
આ રક્તચંદન યુનાઇટેડ અરબ અમિરાતના શહેર શારજાહ ખાતે મોકલવાનું હતું. આ રક્તચંદન નિકાસ થનારા કન્સાઇન્મેન્ટમાં છુપાવાયું હતું.
ડીઆરઆઈએ બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી કે, શેમ્પુ, ક્લીનર વગેરે વસ્તુઓના ઓથા હેઠળ રક્તચંદનનો જથ્થો કન્ટેઇનરમાં ભરી આગામી સમયમાં યુએઈ જવા માટે રવાના કરવાની તૈયારી ચાલી રહી છે.
કાળી ગામ પાસે સાબરમતી કન્ટેઇનર ડેપોમાંથી ડીઆરઆઈની ટીમે કુલ 14.63 મેટ્રિક ટન વજનનાં રક્તચંદનનાં 840 લાકડાં જપ્ત કર્યાં છે. આ રક્તચંદન નિકાસ થનારા કન્સાઇન્મેન્ટમાં છુપાવવામાં આવ્યું હતું.
શું છે રક્તચંદન?
રક્તચંદન વનસ્પતિ પ્રજાતિ છે, જે આંધ્રપ્રદેશના પૂર્વઘાટ પ્રદેશનાં જંગલોના એક અલગ વિસ્તારમાં મળે છે અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)ના રેડ લિસ્ટ હેઠળ છે. તેની સમૃદ્ધ રંગછટા અને ઉપચારાત્મક ગુણધર્મો, સૌંદર્ય પ્રસાધનો, ઔષધીય ઉત્પાદનો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફર્નિચર, વૂડક્રાફ્ટમાં ઉપયોગ માટે એશિયામાં, ખાસ કરીને ચીનમાં તેની વધુ ડિમાન્ડ છે. તેની નિકાસ પર પ્રતિબંધ છે.
